પાકિસ્તાનના આ ફાસ્ટ બોલરના ઘર પર અંધાધૂંધ ગોળીબાર!

કરાચીઃ પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહ (Naseem Shah)ના ઘર પર અંધાધૂંધ ગોળીબાર (Firing) થયો હોવાના અહેવાલ મળ્યા હતા. આ ઘટના ખૈબર પખ્તૂનખ્વા પ્રાન્તમાં લોઅર દીરમાં માયર વિસ્તારમાં બની હતી અને ઘટના વખતે નસીમના કેટલાક પરિવારજનો ઘરમાં જ હોવાનું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
જોકે નસીમ શાહના નાના ભાઈ હુનેન શાહ અને ઉબૈદ શાહ ઘટના વખતે ઘરમાં હતા કે નહીં એ વિશે કોઈ પુષ્ટિ નહોતી મળી. નસીમના બન્ને ભાઈ પણ ક્રિકેટર છે. પોલીસ અને પડોશીઓએ જણાવ્યા મુજબ સોમવારે કેટલાક અજ્ઞાત શસ્ત્રધારી લોકોએ નસીમ શાહના ઘર પર હુમલો કર્યો હતો. આ ઘટના મધરાત બાદ 1.45 વાગ્યે બની હતી જેમાં હુમલાખોરોએ ઘરના મુખ્ય દરવાજા પર ગોળીઓ છોડી હતી. હુમલો કર્યા બાદ તેઓ તરત જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

નસીમ શાહ હાલમાં રાવલપિંડીમાં શ્રીલંકા સામેની પ્રથમ વન-ડેમાં રમી રહ્યો છે.
આ ઘટના સંબંધમાં પોલીસે પાંચ જણને અટકમાં લીધા હતા. નસીમ શાહના ઘર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આસપાસના વિસ્તારોમાં બેસાડવામાં આવેલા સીસીટીવી કૅમેરા પરથી પોલીસ ઘટના વિશેની તપાસ કરી રહી છે.
પોલીસના પ્રાથમિક અહેવાલ મુજબ આ હુમલો આતંકીઓનો નહીં, પણ જમીન વિવાદમાં પરિવારના સભ્યો સાથે જેમની દુશ્મની છે તેમણે કરાવડાવ્યો હોવાનું મનાય છે.
બાવીસ વર્ષનો નસીમ શાહ પાકિસ્તાન વતી કુલ 84 આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યો છે જેમાં તેણે કુલ 140થી પણ વધુ વિકેટ લીધી છે.



