ભારત સામે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું નવુંં ગતકડું, વિચિત્ર ઑફર કરી…
કરાચી: આવતા વર્ષે પાકિસ્તાનમાં આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે, પરંતુ આ વન-ડે ટૂર્નામેન્ટમાં રમવા ભારત સરકાર ખેલાડીઓની ટીમ મોકલવા બીસીસીઆઇને મંજૂરી આપે એવી કોઈ જ સંભાવના ન હોવા છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) હજી આશા રાખીને બેઠું છે કે ભારત પોતાની ટીમને પાકિસ્તાન મોકલશે જ. પીસીબીએ નવું ગતકડું કર્યું છે. એણે ભારતને નવી ઑફર કરી છે.
પીસીબીએ ઑફર કરી છે કે જો ભારત પોતાની ટીમને પાકિસ્તાન મોકલશે તો અમે એવી વ્યવસ્થા કરીશું જેમાં ભારતીય ટીમ પોતાની દરેક મૅચ પછી ચંડીગઢ અથવા દિલ્હી પાછી જઈ શકશે અને એમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેમને પૂરી મદદ કરશે.
જોકે પાકિસ્તાનમાં ભારતીય ખેલાડીઓની સલામતીની કોઈ જ ખાતરી ન હોવાને કારણે ભારત સરકાર ટીમને પાકિસ્તાન મોકલવાની મંજૂરી આપવાના મૂડમાં છે જ નહીં.
2008માં મુંબઈ ટેરર-અટૅકનો બનાવ બન્યો ત્યાર બાદ ભારતે પોતાના ક્રિકેટર્સને પાકિસ્તાન નથી મોકલ્યા. 2009માં લાહોરમાં શ્રીલંકન ક્રિકેટ ટીમની બસ પર આતંકવાદી હુમલો થયો હતો જેમાં કેટલાક ખેલાડીઓને ઈજા થઈ હતી.
2023ના એશિયા કપ વખતે પણ આવો જ બખેડો થયો હતો જેમાં પાકિસ્તાને હાઇ-બ્રિડ મૉડલ સ્વીકારવું પડ્યું હતું. એ મુજબ પાકિસ્તાનમાં અમુક મૅચો જ રમાઈ હતી અને ભારતની તમામ મૅચો સહિત મોટા ભાગની મૅચો શ્રીલંકામાં રમાઈ હતી.