પાકિસ્તાન વર્લ્ડ કપ ટીમની જાહેરાતની મહેતલ ચૂક્યું, જાહેર જનતાથી પણ ટીમ છુપાવી

લાહોરઃ આગામી ફેબ્રુઆરીમાં ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે રમાનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપ (WC) માટે ટીમ જાહેર કરવા માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ કટ-ઑફ તારીખ તરીકે પહેલી જાન્યુઆરી જાહેર કરી હતી, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ તારીખ ચૂકી ગયા પછી હવે એણે ટીમ નક્કી કરી છે. જોકે પીસીબીએ એ ટીમ માત્ર આઇસીસીને જ પહોંચાડી છે અને જાહેર જનતાથી ગુપ્ત રાખી છે.
ભારતે વર્લ્ડ કપની ટીમની જાહેરાત 20મી ડિસેમ્બરે જ કરી દીધી હતી. 20 દેશ વચ્ચેના આ વર્લ્ડ કપની કેટલીક ટીમોએ હજી ટીમ જાહેર નથી કરી. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં મુકાબલો થવાનો છે.
આ પણ વાંચો : પાકિસ્તાની ક્રિકેટરોની જેમ હવે બાંગ્લાદેશીઓ માટે પણ વર્ષો સુધી આઇપીએલના દરવાજા બંધ થઈ શકે…
ભારત સહિત કોઈ પણ ટીમ 31મી જાન્યુઆરી સુધીમાં પોતાની ટીમમાં (આઇસીસીની મંજૂરી વિના) ફેરફાર કરી શકશે. 31મી જાન્યુઆરી પછી ટીમમાં ફેરફાર કરવા ટીમે આઇસીસીની ટૂર્નામેન્ટ ટેક્નિકલ કમિટીની પરવાનગી લેવી પડશે.
સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ પાકિસ્તાને હંગામી ધોરણે આઇસીસીને જે ટીમ મોકલી છે એમાં ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી, ભૂતપૂર્વ કૅપ્ટન બાબર આઝમ તેમ જ ગયા વર્ષના મે મહિના બાદ ખભાની ઈજાને લીધે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ન રમી શકનાર ઑલરાઉન્ડર શાદાબ ખાનનો સમાવેશ છે. સાતમી જાન્યુઆરીએ શ્રીલંકામાં પાકિસ્તાનની જે ટી-20 સિરીઝ શરૂ થશે એ શ્રેણી માટેની ટીમના મોટા ભાગના ખેલાડીઓને વર્લ્ડ કપની ટીમમાં સમાવાયા છે. સલમાન આગા એ ટીમનો સુકાની છે અને ટીમમાં મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, મોહમ્મદ વસીમ, સઇમ અયુબ, ફખર ઝમાન, સાહિબઝાદા ફરહાન વગેરે સામેલ છે.



