બાંગ્લા ટાઇગર સામે પાકિસ્તાન મીંદડી, નવો ઇતિહાસ રચાયો
બાંગ્લાદેશે પહેલી જ વાર પાકિસ્તાન સામે ટેસ્ટ-સિરીઝ જીતી લીધી: 2-0થી કર્યો વ્હાઇટવૉશ
રાવલપિંડી: બાંગ્લાદેશે ટેસ્ટ-ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશે પહેલી જ વખત પાકિસ્તાનને ટેસ્ટ-સિરીઝમાં પરાજિત કર્યું છે. પાકિસ્તાનની પોતાની જ ધરતી પર નાલેશી થઈ છે. પહેલી ટેસ્ટમાં બાંગ્લાદેશે વિજય મેળવીને પ્રથમ વાર પાકિસ્તાન સામે ટેસ્ટ જીતવાની શરૂઆત કરી હતી અને હવે પહેલી વાર એને ટેસ્ટ-શ્રેણીમાં પણ પરાજિત કરીને એનું ફરી નાક કાપ્યું છે. બાંગ્લાદેશની 2-0થી જીત થઈ છે.
મંગળવારે છેલ્લા દિવસે બાંગ્લાદેશને જીતવા ફક્ત 185 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને એણે ચાર વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો. છ વિકેટના માર્જિનથી મેળવેલી આ જીત પહેલાં બાંગ્લાદેશે ગયા અઠવાડિયે શાન મસૂદની ટીમને પહેલી ટેસ્ટમાં 10 વિકેટે હરાવી હતી.
વરસાદના વિઘ્નોને લીધે એવું મનાતું હતું કે બાંગ્લાદેશ 2-0થી ક્લીન સ્વીપ નહીં કરી શકે, પરંતુ મેઘરાજાની બાંગ્લાદેશની ટીમ પર મહેરબાની થઈ અને એના વિજય માટેનો માર્ગ મોકળો કરી આપ્યો હતો.
બન્ને દેશ વચ્ચેના ટેસ્ટ ઇતિહાસમાં કુલ 15 ટેસ્ટ રમાઈ છે જેમાંથી પાકિસ્તાને 12 અને બાંગ્લાદેશે બે મૅચ જીતી છે. એક ટેસ્ટ ડ્રૉમાં પરિણમી છે. આ શ્રેણી પહેલાં પાકિસ્તાને 13માંથી 12 ટેસ્ટ જીતી હતી અને એક ટેસ્ટ ડ્રૉમાં પરિણમી હતી, પરંતુ એ બાદ બન્ને ટેસ્ટ મુકાબલા જીતીને બાંગ્લાદેશે ટેસ્ટ-ક્રિકેટના પોતાના ઇતિહાસમાં નવું પ્રકરણ શરૂ કર્યું છે.
બાંગ્લાદેશ હજી સુધી માત્ર ભારત અને સાઉથ આફ્રિકા સામે એક પણ ટેસ્ટ નથી જીતી શક્યું.
મંગળવારે બાંગ્લાદેશને 185 રનનો લક્ષ્યાંક અપાવવામાં ઓપનર ઝાકિર હાસન (40 રન), કૅપ્ટન નજમુલ શૅન્ટો (38 રન), મોમિનુલ હક (34 રન), શદમાન ઇસ્લામ (24 રન), મુશફિકુર રહીમ (અણનમ બાવીસ રન) અને શાકિબ અલ હસન (અણનમ 21 રન)નો સમાવેશ હતો.
એ પહેલાં, પાકિસ્તાનનો બીજો દાવ હસન મહમૂદની પાંચ વિકેટ અને નાહિદ રાણાની ચાર વિકેટને લીધે ફક્ત 172 રનમાં સમેટાઈ ગયો હતો. પહેલા દાવમાં પાકિસ્તાનના 274 રનના જવાબમાં બાંગ્લાદેશના 262 રન હતા.