ક્રિકેટપ્રેમીને જ્યારે પોલીસે કહ્યું, ` તારી પાકિસ્તાની જર્સી ઢાંકી દે' | મુંબઈ સમાચાર

ક્રિકેટપ્રેમીને જ્યારે પોલીસે કહ્યું, ` તારી પાકિસ્તાની જર્સી ઢાંકી દે’

મૅન્ચેસ્ટરઃ રવિવારે અહીં ઑલ્ડ ટ્રેફર્ડ (Old Trafford)માં ભારતીય બૅટ્સમેનોની જબરદસ્ત લડત સાથે ડ્રૉ થયેલી ઇંગ્લૅન્ડ સામેની ચોથી ટેસ્ટમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમની જર્સી પહેરીને બેઠેલા એક ક્રિકેટપ્રેમીને તેનું જર્સી (Jersey) કાઢી નાખવાની અથવા એને ઢાંકી (Cover) દેવાની સૂચના આપી હતી.

એક તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ટૂંકા યુદ્ધને પગલે અને ખાસ કરીને ત્રણ જ દિવસમાં ભારતના સશસ્ત્ર દળોએ પાકિસ્તાન (Pakistan)માં ઘાતક હુમલા કરીને એને પાઠ ભણાવ્યો ત્યાર બાદ બન્ને દેશ વચ્ચે અભૂતપૂર્વ તંગ પરિસ્થિતિ છે ત્યારે બીજી બાજુ સપ્ટેમ્બરના યુએઇના ટી-20 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ ત્રણ ટક્કર થવાની છે એ સંજોગોમાં કોઈ પણ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત-તરફી હજારો પ્રેક્ષકોની વચ્ચે કોઈ ક્રિકેટ ફૅન પાકિસ્તાની જર્સી પહેરીને બેઠો હોય એટલે સલામતી રક્ષકો સાવચેત થઈ જ જાય.

આ પણ વાંચો: યુએઇના એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ત્રણ ટક્કર થઈ શકે

ઑલ્ડ ટ્રેફર્ડ ટેસ્ટમાં છેલ્લા દિવસે ભારતે કે. એલ. રાહુલના દમદાર 90 રન, શુભમન ગિલના 103 રન તેમ જ ઑલરાઉન્ડરો રવીન્દ્ર જાડેજાના અણનમ 107 રન અને વૉશિંગ્ટન સુંદરના અણનમ 101 રનની મદદથી ઇંગ્લૅન્ડની 311 રનની સરસાઈ તો ઊતારી જ દીધી હતી, ઉપરથી બીજા 114 રન કર્યા હતા. આ મૅચ બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચેના ડ્રૉને લગતા મુદ્દાને લીધે પણ ચર્ચામાં છે. ઇંગ્લૅન્ડના બોલર્સે આ મૅચમાં ભારતીય બૅટ્સમેનોના શરીરને નિશાન બનાવીને બૉડીલાઇન’ બોલિંગ કરી હતી. જોકે ભારતીય બૅટ્સમેનોએ એ હુમલાઓ છતાં લડતાં રહીને ભારતને પરાજયથી બચાવી લીધું હતું. બેન સ્ટૉક્સે પોતાના બોલર્સ થાકી ગયા હોવાથી તેમ જ જાડેજા-વૉશિંગ્ટનને સેન્ચુરીથી વંચિત રાખવાની બદદાનત સાથે મૅચને વહેલી ડ્રૉ જાહેર કરવાની જે ઑફર કરી હતી, પરંતુ જાડેજાએ પાંચમી ટેસ્ટ સદી પૂરી કરી હતી અને વૉશિંગ્ટન પણ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય સદી પૂરી કરીને રહ્યો હતો. આ મૅચ દરમ્યાન ભારત-ઇંગ્લૅન્ડ ઉપરાંત એક સ્ટૅન્ડમાં પાકિસ્તાનનું નામ પણ ખૂબ ચગ્યું હતું. વાત એવી છે કે આ સ્ટૅન્ડમાં બેઠેલો એક પાકિસ્તાન-તરફી પ્રેક્ષક સલામતી અધિકારી સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. આ વરિષ્ઠ પોલીસે એ પ્રેક્ષકને કહ્યું, મને ક્નટ્રૉલમાંથી કહેવામાં આવ્યું છે એને આધારે તમને કહું છું કે મહેરબાની કરીને તમે તમારી જર્સી ઢાંકી દેશો?’

આ પાકિસ્તાન-તરફી પ્રેક્ષકનું નામ ફારુક નઝર હોવાનું પાકિસ્તાનના અખબારોમાં જણાવાયું હતું. આ પ્રેક્ષકે પાકિસ્તાની મીડિયાને એવું કહ્યું હોવાનું મનાય છે કે સલામતી રક્ષકે મને મારી પાકિસ્તાની જર્સી ઢાંકી દેવા કહ્યું હતું એટલે મેં તેમને કહ્યું કે તમે જે કંઈ કહી રહ્યા છો એ મને લેખિતમાં આપો.’ પાકિસ્તાની પ્રેક્ષક નઝરે પોતાની જર્સી નહોતી ઢાંકી અને સિક્યૉરિટી ઑફિસરને કહ્યું કે મારી આસપાસ બેઠેલા ભારત-તરફી પ્રેક્ષકોને કોઈ વાંધો નથી તો તમે કેમ મને આવી સૂચના આપી રહ્યા છો?’

હવે આ કિસ્સા સંબંધમાં લૅન્કેશર પોલીસ વિભાગ તપાસ કરી રહી છે. ભારતના એક જાણીતા અંગે્રજી દૈનિકના અહેવાલ મુજબ ઑલ્ડ ટ્રેફર્ડ ટેસ્ટ સંબંધિત સલામતી નીતિ વિશેની માર્ગદર્શિકમાં એવું જણાવાયું હતું કે પ્રેક્ષકોએ ભારત અથવા ઇંગ્લૅન્ડની ટીમને સપોર્ટ કરાતી જર્સી પહેરવી.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button