
દુબઈ/નવી દિલ્હી: એશિયા કપમાં ભારત સામે હાર્યા પછી પાકિસ્તાનના નાટકો હજુ ચાલુ છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યાકુમાર યાદવે મેચ જીત્યા પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ નહીં મિલાવવા મુદ્દે નારાજ થયું હતું,
ત્યાર પછી મેચ રેફરી પર પણ આરોપો મૂકીને તેમની હટાવવા અંગે આઈસીસીને માગણી કરી હતી, પરંતુ આ માગણીને ફગાવવામાં આવતા પાકિસ્તાનને વધુ એક ઝટકો લાગ્યો છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની એશિયા કપના અધિકારીઓના પેનલમાંથી મેચ રેફરી એન્ડી પાઈક્રોફ્ટને હટાવવાની માંગને ફગાવી દીધી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત વિરુદ્ધની મેચ બાદ ‘હાથ નહીં મિલાવવા’ના વિવાદ માટે ઝિમ્બાબ્વેના રેફરીને જવાબદાર ઠેરવીને મેચમાંથી હટી જવાની ધમકી આપી હતી. જોકે, આઈસીસીએ આ વિવાદ પર ઠંડુ પાણી રેડી દીધું હોવા છતાં પાકિસ્તાનના ખેલાડીઓ અને નેતાઓ બેફામ નિવેદનો આપી રહ્યા છે તો હવે પાકિસ્તાન શું નિર્ણય લે છે એ જોવાનું રહેશે.
પીસીબીએ આઈસીસીમાં ફરિયાદ નોંધાવી હતી કે એન્ડી પાઈક્રોફ્ટે રવિવારે એશિયા કપની મેચમાં ટોસ સમયે તેમના કેપ્ટન સલમાન અલી આગાને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે હાથ ન મિલાવવા કહ્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર ગઈકાલે મોડી રાત્રે ICCએ PCBને જવાબ મોકલ્યો હતો જેમાં જણાવ્યું હતું કે એન્ડી પાઈક્રોફ્ટને હટાવવામાં આવશે નહીં અને તેમની અરજી રદ કરી દેવામાં આવી છે.
69 વર્ષીય ઝિમ્બાબ્વેના રેફરી બુધવારે UAE વિરુદ્ધ પાકિસ્તાનની અંતિમ ગ્રુપ મેચમાં પણ રેફરી તરીકે હાજર રહેશે. એન્ડી પાઈક્રોફ્ટ ICC એલીટ પેનલના સૌથી વરિષ્ઠ મેચ રેફરીઓમાંથી એક છે, જેમણે 695 આંતરરાષ્ટ્રીય મેચોમાં રેફરી તરીકે ફરજ બજાવી છે.
ભારતે પાકિસ્તાનને પહેલી મેચમાં હરાવ્યું
પાકિસ્તાની ટીમના મેનેજર નાવેદ ચીમાએ પણ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)માં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે પાઈક્રોફ્ટના કહેવા પર જ રવિવારે બંને કેપ્ટનો વચ્ચે ટીમ શીટની આપ-લે થઈ ન હતી, જે સામાન્ય રીતે થતી હોય છે. આ વિવાદ ભારતે એશિયા કપ 2025માં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યા બાદ થયો હતો.
મેચ બાદ સૂર્યકુમાર યાદવ અને તેમની ટીમે પહલગામ આતંકી હુમલાના પીડિતો અને તેમના પરિવારોના સન્માનમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો ન હતો. એવું જાણવા મળ્યું છે કે આ પરિસ્થિતિ PCBના ક્રિકેટ ઓપરેશન્સના ડિરેક્ટર ઉસ્માન વાલ્હાને કારણે ઊભી થઈ હતી, જેમણે તેમના કેપ્ટનને ટૂર્નામેન્ટ દરમિયાન પાલન કરવાના નિયમો અને વિનિયમો વિશે જાણ કરી નહોતી.
હાથ નહીં મિલાવવાની નીતિ વિશે જાણ ન કરી
સૂત્રો મુજબ, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના વર્તમાન અધ્યક્ષ અને PCB પ્રમુખ મોહસિન નકવીએ આ ઘટના બાદ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ અને તેના કેપ્ટનને થયેલી શરમ માટે સોમવારે ઉસ્માન વાલ્હાને બરતરફ કરવાનો આદેશ આપ્યો હતો. ઉસ્માન વાલ્હાની ફરજ હતી કે તેઓ સલમાનને ‘હાથ ન મિલાવવાની’ નીતિ વિશે જાણ કરે, પરંતુ તેમણે તેમ કર્યું નહોતું અને પાકિસ્તાની કેપ્ટન આ ઘટનાક્રમથી અજાણ રહ્યા. એક PCB સૂત્રએ જણાવ્યું, જ્યારે બંને કેપ્ટનોએ હાથ ન મિલાવ્યો, ત્યારે વાલ્હાએ ટોસ સમયે જ એક નિવેદન જારી કરવું જોઈતું હતું. દેખીતી રીતે મોહસિન નકવી ગુસ્સામાં હતા, કારણ કે ઉસ્માન વાલ્હાએ આ મામલાને યોગ્ય રીતે સંભાળ્યો નહોતો.
આ પણ વાંચો…IND vs PAK: હાથના મિલાવવા અંગે મેચ રેફરીને ACC તરફથી સુચના મળી હતી! અહેવાલમાં દાવો…