પાકિસ્તાનને દાઝ્યા પર ડામ, આઇસીસીની જોરદાર ફટકાર પડી
ટેસ્ટ વર્લ્ડ કપના ટેબલમાં પાકિસ્તાની ટીમે ખાધી પછડાટ
રાવલપિંડી: શાન મસૂદની કેપ્ટન્સીમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ ક્રિકેટમાં રવિવારે પહેલી વાર હારવાની નાલેશી જાણે પૂરતી ન હોય એમ પાકિસ્તાની ટીમ પર બીજી બે મોટી આફત આવી ગઈ. આઇસીસીએ પાકિસ્તાનના ટેસ્ટ ખેલાડીઓને બે પ્રકારની પનિશમેન્ટ કરી છે.
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનનો 10 વિકેટે પરાજય થયો હતો. હવે જો પાકિસ્તાન બીજી અને અંતિમ ટેસ્ટ પણ હારશે અથવા ટેસ્ટ ડ્રોમાં જશે તો બાંગ્લાદેશ સામે પહેલી વખત ટેસ્ટ શ્રેણી હાર્યાનો કલંક પણ આ પાકિસ્તાની ટીમ પર લાગી જશે.
બાંગ્લાદેશ સામે રવિવારે પૂરી થયેલી ટેસ્ટમાં પાકિસ્તાનની ટીમે નિર્ધારિત સમયમાં છ ઓવર પૂરી ન કરી હોવાથી આઇસીસીએ સ્લો ઓવર-રેટના અફેન્સ બદલ ટીમના છ ડબલ્યૂટીસી (વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનયનશિપ) પોઇન્ટ કાપી નાખ્યા છે.
એટલું જ નહીં, પાકિસ્તાની ટીમના દરેક ખેલાડીની 30 ટકા મૅચ ફી પણ કાપી લેવામાં આવી છે.
ટેસ્ટના વર્લ્ડ કપ (ડબલ્યૂટીસી)ની ફાઈનલમાં પહોંચવા પાકિસ્તાન ભારે સંઘર્ષ કરી રહ્યું હતું અને એવામાં છ પોઇન્ટ કપાઈ જતા ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
ડબલયૂટીસીમાં ભારત મોખરે છે. ઓસ્ટ્રેલિયા બીજા નંબરે છે.
પાકિસ્તાની ટીમે મૅચમાં ચોક્કસ સમયમાં છ ઓવર ઓછી કરી હોવાથી એના છ પોઇન્ટ કપાતાં દેશભરમાં આ ટેસ્ટ ટીમની ખૂબ ટીકા થઈ રહી છે.
વિજેતા બાંગ્લાદેશની ટીમથી પણ આ ક્રિકેટ સંબંધિત ગુનો થયો હતો. એણે નિર્ધારિત સમયની અંદર ત્રણ ઓવર ઓછી કરી હોવાથી એના ત્રણ પોઇન્ટ કપાઈ ગયા છે અને ટીમના પ્રત્યેક પ્લેયરની 30 ટકા મૅચ ફી કાપી લેવાઈ છે.
આઇસીસીના મૅચ-રેફરી રંજન મદુગલેએ જણાવ્યું હતું કે બન્ને ટીમને વધારાનો સમય અપાયો હોવા છતાં તેઓ નક્કી કરેલા સમયમાં ઓવર પૂરી નહોતા કરી શક્યા.
Also Read –