પાકિસ્તાનની સતત આટલી ટેસ્ટ વિજય વિનાની, 50 વર્ષના પોતાના જ રેકૉર્ડની કરી બરાબરી
500 રન બનાવ્યા પછી પણ ઐતિહાસિક પરાજયની નાલેશી, કૅપ્ટન મસૂદની સતત છઠ્ઠી ટેસ્ટમાં હાર

મુલતાન: શાન મસૂદના સુકાનમાં પાકિસ્તાનની ટેસ્ટ ટીમે શુક્રવારે કદાચ ‘રાહતનો શ્ર્વાસ’ લીધો હશે. કારણ એ છે કે આ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડની ટીમે અને એના કેટલાક ખેલાડીઓએ એટલા બધા વિક્રમો ખડકી દીધા કે એ જોઈને પાકિસ્તાનની ટીમ હેરાન-પરેશાન થઈ ગઈ હશે અને શુક્રવારના પાંચમા દિવસે પરાજય જોવો પડ્યો, પરંતુ કાળી રાત સમાન આ ટેસ્ટમાંથી હવે પોતાને છુટકારો મળ્યો એવું યજમાન ટીમના ખેલાડીઓ માનતા હશે. ઇંગ્લૅન્ડે પાંચમા દિવસે એક ઇનિંગ્સ અને 47 રનથી વિજય મેળવ્યો હતો. પાકિસ્તાન ઘરઆંગણે છેલ્લી સતત 11 ટેસ્ટમાંથી એકેય જીતી નથી શક્યું.
પાકિસ્તાને પ્રથમ દાવમાં 556 રન બનાવ્યા બાદ ઇંગ્લૅન્ડે હૅરી બ્રૂક (322 બૉલમાં 317 રન) અને જૉ રૂટ (375 બૉલમાં 262 રન)ની ચોથી વિકેટ માટેની 454 રનની ભાગીદારીની મદદથી બનેલા 823/7ના સ્કોર પર દાવ ડિક્લેર કરી દીધો હતો. શુક્રવારે પાકિસ્તાન 220 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. લેફ્ટ-આર્મ સ્પિનર જૅક લીચે મૅચમાં કુલ સાત વિકેટ લીધી હતી. 310 બૉલમાં ટ્રિપલ સેન્ચુરી પૂરી કરીને સેહવાગ (278 બૉલમાં 300 રન) પછીની બીજા નંબરની ફાસ્ટેસ્ટ ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર બ્રૂકને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
હોમ-ગ્રાઉન્ડ પર પાકિસ્તાન છેલ્લે 2022માં જીત્યું હતું. ત્યાર પછીની 11 ટેસ્ટમાંથી સાત ટેસ્ટમાં પાકિસ્તાન હાર્યું છે અને ચાર ટેસ્ટ ડ્રૉમાં ગઈ છે.
પાકિસ્તાને સતત છ ટેસ્ટમાં પરાજય જોવો પડ્યો છે. આઠ વર્ષ પહેલાં પણ પાકિસ્તાનના કિસ્સામાં આવું બન્યું હતું અને એણે પોતાના જ રેકૉર્ડની બરાબરી કરી છે.
પાકિસ્તાનની શુક્રવારે સૌથી મોટી નામોશી એ થઈ કે પ્રથમ દાવમાં 500 રન બનાવ્યા પછી પણ એણે એક દાવથી પરાજય જોવો પડ્યો છે. આવું 147 વર્ષના ટેસ્ટના ઇતિહાસમાં પહેલી જ વાર બન્યું છે અને એ સાથે, ઇંગ્લૅન્ડનું નામ પણ ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ ગયું છે.
ન્યૂ ઝીલૅન્ડનો ભૂતપૂર્વ ઓપનર બ્રેન્ડન મૅક્લમ મે, 2022માં ઇંગ્લૅન્ડનો હેડ-કોચ બન્યો ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ઇંગ્લૅન્ડની ત્રણ ટેસ્ટ એવી રહી છે જેમાં હરીફ ટીમે 550 રન બનાવ્યા હોવા છતાં ઇંગ્લૅન્ડનો વિજય થયો છે.
શાન મસૂદે છઠ્ઠી ટેસ્ટમાં કૅપ્ટન્સી સંભાળી અને એ તમામ છ ટેસ્ટમાં પાકિસ્તાનની હાર થઈ છે.
એશિયામાં ઇંગ્લૅન્ડની એક દાવથી આ બીજી જીત છે. આ પહેલાં, 1976માં દિલ્હીમાં ઇંગ્લૅન્ડે ભારત સામે એક દાવ અને પચીસ રનથી વિજય મેળવ્યો હતો.