Pakistan in England : ઇંગ્લૅન્ડમાં બાબર બન્યો બેકાબૂ, ફૅન્સને ઝાટકી નાખ્યા: જાણો શા માટે

કાર્ડિફ: ઇંગ્લૅન્ડમાં પાકિસ્તાનની ટીમ ટી-20 સિરીઝ રમવા આવી છે અને જૉસ બટલરની ટીમ સામેની પહેલી મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ એટલે કૅપ્ટન બાબર આઝમ (Babar Azam) અને તેના સાથીઓ ડિસ્ટર્બ્ડ થઈ ગયા હતા, કારણકે બાર દિવસ પછી (નવમી જૂને ન્યૂ યૉર્કમાં) ભારતની ચડિયાતી ટીમ સામે ટી-20 વર્લ્ડ કપની સૌથી મહત્ત્વની મૅચ રમાવાની હોવાથી ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ હેમખેમ પાર પડે એ તેમના માટે ખૂબ જરૂરી હતું.
આ કટોકટીની સ્થિતિમાં અને ટીમ-સિલેક્શનની બાબતમાં પોતાની કૅપ્ટન્સી વિશે સતત થતી ટકોર વચ્ચે બાબર કાર્ડિફમાં પોતાના જ ચાહકો પર ખૂબ ગુસ્સે થયો હતો. ક્રોધમાં આવીને તેણે સેલ્ફી લેવા દોડી આવેલા ટોળાને દૂર હટી જવા કહ્યું હતું.
બાબર આઝમની છાપ શાંત સ્વભાવના કૅપ્ટન તરીકેની છે. જોકે મંગળવારની ત્રીજી ટી-20 મૅચ પહેલાં સ્ટેડિયમની બહાર તેને જોઈને તેના ચાહકો તેની તરફ દોડી આવ્યા હતા અને તેની સાથે સેલ્ફી લેવાની ડિમાન્ડ કરવા લાગ્યા હતા. એક સાથે ટોળું આવેલું જોઈને બાબરનો પિત્તો ગયો અને પહેલાં તો તેણે તેમને ઠપકો આપવા લાગ્યો હતો અને પછી પોતાની આસપાસના સિક્યૉરિટી ઑફિસરોને તેણે પોતાની આસપાસ ઊભા રહી જવા કહ્યું હતું. બાબર તેમને એવું કહી રહ્યો હતો કે ‘આ બધુ શું ચાલી રહ્યું છે? કેમ આટલા બધા લોકો આસાનીથી અમારી તરફ દોડી આવ્યા? સલામતી જેવું કંઈ છે કે નહીં’.
નજીકના પગથિયા ચઢીને પોતાની તરફ આવી રહેલા ફૅન્સને બાબરે કહ્યું, ‘ઉપર નહીં ચઢો.’
બાબરની કૅપ્ટન્સીની થોડા સમયથી ખૂબ ટીકા થઈ રહી છે. ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર સિકંદર બખ્તે બાબરની માનસિક સ્થિતિ સામે સવાલ ઉઠાવતાં આક્ષેપ કર્યો છે કે હાલની પાકિસ્તાની ટીમ માત્ર ત્રણ ખેલાડીઓને પસંદ પડે એ રીતે જ સિલેક્ટ કરાઈ છે.’
બાબરની સૂચના પ્રમાણે જ વર્લ્ડ કપ માટેની ટીમ સિલેક્ટ કરાઈ હોવાનો આક્ષેપ પણ પાકિસ્તાનમાં થઈ રહ્યો છે.