સ્પોર્ટસ

ન્યૂ ઝીલૅન્ડમાં પહેલી જ મૅચમાં પાકિસ્તાનનું નાક કપાઈ ગયું

રિઝવાન-બાબર વિનાની ટીમના નામે કેટલાક નવા નકારાત્મક વિક્રમ બન્યા

ક્રાઇસ્ટચર્ચઃ મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ વિના અહીં ટી-20 સિરીઝ રમવા આવેલી પાકિસ્તાનની ટીમનો શનિવારે પહેલી જ મૅચમાં શરમજનક પરાજય થયો હતો. સલમાન આગા નામના નવા કૅપ્ટનના સુકાનમાં પાકિસ્તાનની ટીમ ન્યૂ ઝીલૅન્ડની ધરતી પર એના સૌથી નીચા 91 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી અને પછી માઇકલ બે્રસવેલની કૅપ્ટન્સીમાં ન્યૂ ઝીલૅન્ડે માત્ર 10.1 ઓવરમાં એક જ વિકેટના ભોગે 92 રન બનાવીને (59 બૉલ તથા નવ વિકેટ બાકી રાખીને) વિજય મેળવી લીધો હતો. બાકી રહેલા (59) બૉલની ગણતરીએ ન્યૂ ઝીલૅન્ડનો ઘરઆંગણે ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં આ ત્રીજા નંબરનો સૌથી મોટો વિજય છે.

પાકિસ્તાને કિવી લૅન્ડ પર પોતાના સૌથી નીચા સ્કોરનો નવ વર્ષ જૂનો વિક્રમ તોડ્યો છે. 2016માં પાકિસ્તાન વેલિંગ્ટનમાં ન્યૂ ઝીલૅન્ડ સામે 101 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું અને એ વિક્રમ શનિવારે 91 રનના સ્કોર સાથે તૂટ્યો હતો.
એક તબક્કે પાકિસ્તાને ફક્ત 11 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ટી-20માં ચોથી વિકેટ વખતે કુલ 11 રન પાકિસ્તાન માટે સૌથી નીચો સ્કોર છે.

આ પણ વાંચો: IPL 2025: GT પહેલી મેચ કોની સામે રમશે? આવી હોઈ શકે છે પ્લેઇંગ ઇલેવન…

પેસ બોલર કાઇલ જૅમીસન (4-1-8-3) આ મૅચનો હીરો હતો. ટી-20માં આ તેનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ છે. તેણે પાકિસ્તાનના ઓપનર મોહમ્મદ હૅરિસ (0), ઇરફાન ખાન (1) અને શાદાબ ખાન (3)ની વિકેટ લીધી હતી. એ ઉપરાંત તેણે બીજા ઓપનર હસન નવાઝ (0)નો કૅચ પણ ઝડપ્યો હતો.

પાકિસ્તાનના બન્ને ઓપનર એક જ ટી-20 મૅચમાં શૂન્યમાં આઉટ થયા હોય એવું બીજી વાર બન્યું છે. આ પહેલાં, 2014માં વેસ્ટ ઇન્ડિઝ સામેની મૅચમાં મોહમ્મદ હફીઝના સુકાનમાં રમનાર પાકિસ્તાનની ટીમના અહમદ શેહઝાદ (0) અને વિકેટકીપર કામરાન અકમલ (0) ખાતું ખોલાવ્યા પહેલાં જ આઉટ થઈ ગયા હતા. વર્લ્ડ કપની એ મૅચમાં ડૅરેન સૅમીના સુકાનમાં વેસ્ટ ઇન્ડિઝનો 84 રનથી વિજય થયો હતો.

આ પણ વાંચો: WPL ટ્રોફી જીત્યા બાદ MIના ખેલાડીઓએ કરી શાનદાર ઉજવણી, નીતા અંબાણી પણ જોડાયા

બીજા કિવી પેસ બોલર જૅકબ ડફીએ 14 રનમાં ચાર તેમ જ ભારતીય મૂળના સ્પિનર ઇશ સોઢીએ 27 રનમાં બે વિકેટ લીધી હતી.

પાકિસ્તાનના બૅટર્સ 100 રન પણ નહોતા બનાવી શક્યા એટલે વિજય અપાવવો પાકિસ્તાનના બોલર્સ માટે મુશ્કેલ હતો. ન્યૂ ઝીલૅન્ડની જીત ઓપનર્સ ટિમ સીફર્ટ (29 બૉલમાં 44 રન) અને ફિન ઍલન (29 અણનમ)ની જોડીએ 53 રનની ભાગીદારીથી વધુ આસાન બનાવી હતી. ટિમ રૉબિન્સન 18 રને અણનમ રહ્યો હતો.

આ પણ વાંચો: IML T20 2025 Final: તેંડુલકર અને લારા વચ્ચે મહામુકાબલો; જાણો ક્યાં જોઈ શકાશે મેચ…

કિવીઓની એકમાત્ર વિકેટ પાકિસ્તાનના પાંચ બોલરમાંથી અબ્રાર અહમદે લીધી હતી. શાહીન શાહ આફ્રિદી તથા શાદાબ ખાન સહિત ચાર બોલરને વિકેટ નહોતી મળી.

કાઇલ જૅમીસનને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો. હવે બીજી ટી-20 મંગળવારે (ભારતીય સમય મુજબ સવારે 6.45 વાગ્યાથી) રમાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button