સોશ્યલ મીડિયામાં પાકિસ્તાની ટીમની ભરપૂર મજાક ઉડાવાઈ રહી છે

દુબઈ/મુંબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના હોમ-ટાઉન દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ-2025ના બીજા રાઉન્ડનો સમય નજીક આવતો ગયો એમ દુશ્મન-દેશ પાકિસ્તાન (PAKISTAN)ની ક્રિકેટ ટીમ તથા તેમના ક્રિકેટ બોર્ડની સોશ્યલ મીડિયામાં ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી. મુંબઈ સહિત દેશના અનેક સ્થળે વસતા ક્રિકેટપ્રેમીઓએ પાકિસ્તાનીઓની ટીકા પણ કરી હતી.
પાંચ મહિના પહેલાં પહલગામમાં પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓએ 26 હિન્દુ ટૂરિસ્ટની તેમના પરિવારજનોની નજર સામે હત્યા કરી એના ગણતરીના દિવસો બાદ ભારત સરકારના આદેશ અનુસાર ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન પર ઘાતક હુમલા કરીને ત્યાંના આતંકવાદી અડ્ડાઓનો તેમ જ હવાઈ દળના મથકોનો નાશ કર્યો હતો.
ત્રણ દિવસ ચાલેલા એ યુદ્ધ બાદ ભારત (INDIA) અને પાકિસ્તાનના ક્રિકેટરો પહેલી જ વાર સામસામે રમી રહ્યા છે. 14મી સપ્ટેમ્બરે દુબઈમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું અને હવે એ જ સ્થળે બીજી મૅચ રમાઈ.
આપણ વાંચો: WCL 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ; આ ભારતીય ખેલાડીઓએ રમવાનો ઇનકાર કર્યો
ઇન્ટરનેટ પર તેમ જ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર પાકિસ્તાની ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની મજાક ઉડાવાઈ રહી છે. એક જાણીતી ક્રિકેટ-વેબસાઇટ પર આદિત્ય નામના ક્રિકેટ ચાહકે સાંજે 5.30 વાગ્યે લખ્યું હતું, ` પાકિસ્તાની ટીમ દુબઈમાં તેમની હોટેલમાંથી રવાના થઈ કે નહીં? મને લાગે છે કે તેમને દુબઈની હોટેલના રૂમના બેડ પર ઊંઘ નહીં આવી હોય.’
ઉલ્લેખનીય છે કે ભારત સામેની 14મી સપ્ટેમ્બરની મૅચ વખતે જે ` હૅન્ડશેક વિવાદ’ થયો હતો એને પગલે મૅચ-રેફરી ઍન્ડી પાયક્રૉફ્ટના અભિગમથી રિસાયેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પછીથી યુએસ સામેની મૅચ પહેલાં પોતાની ટીમને દુબઈની હોટેલમાંથી બહાર ન નીકળવાની સલાહ આપી હતી.
આપણ વાંચો: બે ભૂતપૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાની ટેસ્ટ ટીમની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી…
જોકે પછીથી આઇસીસીના મોવડીઓ સાથેની બેઠક બાદ પીસીબી ઠંડું પડ્યું હતું અને પાકિસ્તાની પ્લેયર્સને હોટેલમાંથી દુબઈના મેદાન પર પહોંચવા કહેવામાં આવ્યું હતું, પરંતુ મૅચ એક કલાક મોડી શરૂ થઈ હતી.
બીજા એક નેટ યુઝરે લખ્યું હતું, ` આશા રાખીએ, પાકિસ્તાન-યુએઇની જેમ પાકિસ્તાન-ભારત મૅચ મોડી શરૂ નહીં થાય.’
બિશાલ પારાજુલી નામના ક્રિકેટપ્રેમીએ લખ્યું હતું, ` થોડા વર્ષોથી ભારતનું પાકિસ્તાની ક્રિકેટરો પરનું વર્ચસ્વ એટલું બધુ વધી ગયું છે કે આ બે દેશ વચ્ચેની મૅચમાં લોકોનો ઉત્સાહ હવે પહેલા જેવો નથી રહ્યો. તમે જુઓ કે છેલ્લા અમુક વર્ષોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચો વન-સાઇડેડ રહી છે અને એમાં ભારતનો હાથ ઉપર જ રહ્યો છે.’