ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાનની ઇન્ટરનેશનલ બેઇજજ્તી
એરપોર્ટ પર જાતે જ ટ્રકમાં સામાન ચઢાવવો પડ્યો
સિડનીઃ ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ વર્લ્ડ કપમાં શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમ બધુ ભૂલીને આગળ વધવાની કોશિશ કરી રહી હતી ત્યારે તેને ફરીથી બદનામીનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે પાકિસ્તાનની ટીમ રમ્યા વિના આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ થઈ ગઈ છે. પોતાના ખેલાડીઓની હાલત જોઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પણ શરમાઈ ગયું છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ શુક્રવારે ઓસ્ટ્રેલિયા પહોંચી હતી, જ્યાં શાન મસૂદની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. જોકે, ઓસ્ટ્રેલિયા પહોંચવા પર પાકિસ્તાની ક્રિકેટ ટીમનું સ્વાગત કરવું તો દૂર, ખેલાડીઓએ એરપોર્ટ પર પોતાનો સામાન ટ્રકમાં જાતે લોડ કરવો પડ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના શાહીન આફ્રિદી અને બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન ટ્રોલી બેગ લઈને ટ્રક પાસે ઉભા જોવા મળ્યા હતા.
સૌથી આશ્ચર્યની વાત એ છે કે જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમ આવી ત્યારે પાકિસ્તાન એમ્બેસી કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો કોઈ પ્રતિનિધિ તેમનું સ્વાગત કરવા માટે હાજર નહોતો. આવી વ્યવસ્થા ખેલાડીઓના મનોબળને અસર કરી શકે છે. વીડિયોમાં સીનિયર ખેલાડી મોહમ્મદ રિઝવાન ટ્રકની અંદર ઊભો છે અને તેના સાથી ખેલાડીઓની બેગ ટ્રકમાં રાખતો જોવા મળે છે. અન્ય ખેલાડીઓ પણ પોતાનો સામાન રાખતા હતા. આ દરમિયાન ચાહકો પણ પોતાના મનપસંદ ખેલાડીઓ સાથે ફોટો પડાવતા હતા.
ઑસ્ટ્રેલિયા-પાકિસ્તાન ટેસ્ટ શ્રેણીની શરૂઆત 14 ડિસેમ્બરે પર્થમાં પ્રથમ મેચથી થશે, ત્યારબાદ મેલબોર્ન (26-30 ડિસેમ્બર) અને સિડની (3-7 જાન્યુઆરી)માં મેચ રમાશે. પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી, પરંતુ શાન મસૂદને લાગે છે કે પાકિસ્તાનની ટીમ આ વખતે ઈતિહાસ બદલી નાખશે. મસૂદને તાજેતરમાં બાબર આઝમની જગ્યાએ પાકિસ્તાન ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બાબર આઝમે તમામ ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી છે. ઓસ્ટ્રેલિયા સામેની મુશ્કેલ ટેસ્ટ સિરીઝમાં કેપ્ટન તરીકે મસૂદનો પ્રથમ પ્રવાસ છે.