સ્પોર્ટસ

ભારતને વર્લ્ડ કપની ટ્રોફી અપાવનાર કોચને પાકિસ્તાને સોંપી મોટી જવાબદારી

કરાચી: ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ગ્રેગ ચૅપલે ભારતીય ક્રિકેટમાં દાટ વાળીને ગયા ત્યાર બાદ ભારતીય ટીમને સાઉથ આફ્રિકાના ગૅરી કર્સ્ટનના રૂપમાં કાબેલ કોચ મળ્યા હતા જેમણે ટીમ ઇન્ડિયાને તેમના પ્રશિક્ષણથી 2011માં વન-ડેનો વર્લ્ડ કપ અપાવવા ઉપરાંત ટેસ્ટ-ક્રિકેટમાં મોખરાનું સ્થાન પણ અપાવ્યું હતું. પાકિસ્તાનને હવે જાણે ભારતની તેર વર્ષ પહેલાંની સફળતા એકદમ યાદ આવી ગઈ અને એણે કર્સ્ટનને આગામી જૂનમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ પહેલાં વ્હાઇટ બૉલ ફૉર્મેટ (ટી-20 તથા વન-ડે)ની ટીમના કોચ તરીકે નીમી દીધા છે.

જૂનમાં ટી-20 વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાવાનો છે.


ગૅરી કર્સ્ટન હાલમાં આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સના મેન્ટર છે. તેઓ ભારત ઉપરાંત સાઉથ આફ્રિકાના ત્રણ વર્ષ સુધી હેડ-કોચ હતા.


ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેસન ગિલેસ્પીને પાકિસ્તાને ટેસ્ટ ટીમનો હેડ-કોચ બનાવ્યો છે, જ્યારે ભૂતપૂર્વ ખેલાડી અઝહર મહમૂદને ત્રણેય ફૉર્મેટની ટીમનો સહાયક કોચ બનાવવામાં આવ્યો છે.

મિકી આર્થર કોચની જવાબદારીમાંથી નીકળી ગયા બાદ ત્રણેય ફૉર્મેટની ટીમના કોચનું સ્થાન ખાલી પડ્યું હતું. આર્થર બાદ મોહમ્મદ હફીઝે થોડા સમય માટે ટીમને કોચિંગ આપવાની જવાબદારી સંભાળી હતી, પરંતુ ન્યૂ ઝીલૅન્ડ તથા ઑસ્ટ્રેલિયામાં પાકિસ્તાનની ટીમનો પર્ફોર્મન્સ ખરાબ રહેતાં નવી નિયુક્તિઓ કરાઈ છે.

ગૅરી કર્સ્ટન 56 વર્ષના છે. તેમણે 1993થી 2004 દરમ્યાન 286 આંતરરાષ્ટ્રીય મૅચમાં 14,000 જેટલા રન બનાવ્યા હતા. 49 વર્ષના ગિલેસ્પીએ 1996થી 2006 દરમ્યાન ઑસ્ટ્રેલિયા વતી કુલ 170 જેટલી મૅચમાં 400થી પણ વધુ વિકેટ લીધી હતી. અઝહર મહમૂદ પણ 49 વર્ષનો છે. તેણે 1997થી 2007 દરમ્યાન 160થી વધુ વિકેટ લીધી હતી અને 2,500 જેટલા રન બનાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button