સ્પોર્ટસ

મુલતાનમાં ટેસ્ટ-ટીમનું નાક કપાઈ ગયા પછી પાકિસ્તાન ક્રિકેટમાં ભૂકંપ, બોર્ડે આંચકારૂપ નિર્ણય લીધો…

કરાચી: પાકિસ્તાનની ટીમ 2023ના વન-ડેના વર્લ્ડ કપમાં અમદાવાદમાં ભારત સામે હાર્યું ત્યારથી એના ક્રિકેટરોને માથે તવાઈ આવી છે, વારંવાર કૅપ્ટન બદલાયા છે અને ટીમમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ટી-20ના વર્લ્ડ કપમાં પણ નાલેશી થઈ ત્યાર પછી ઘરઆંગણે બાંગ્લાદેશની ટીમ ટેસ્ટ-શ્રેણીમાં 0-2થી હરાવીને જતી રહી એ કારમી હારના આઘાતમાંથી પાકિસ્તાન ક્રિકેટ હજી બહાર આવે એ પહેલાં ઇંગ્લૅન્ડની ટીમે મુલતાનની પ્રથમ ટેસ્ટમાં શાન મસૂદની ટીમનો કચરો કરી નાખ્યો. આ બધા વળાંકો બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ અજબ નિર્ણય લીધો છે. તાજેતરમાં જ નિવૃત્ત થયેલા અમ્પાયર અલીમ દરને સિલેક્શન કમિટીમાં બેસાડી દીધા છે.

આ પણ વાંચો : પાકિસ્તાનનો ખેલ ખતમ જ સમજો, ટેસ્ટના વર્લ્ડ કપની બહાર થવાની તૈયારીમાં

મુલતાનમાં પાકિસ્તાનની ટીમે 556 રન બનાવ્યા તો ઑલી પૉપના સુકાનમાં ઇંગ્લૅન્ડની ટીમે 823 રન ખડકી દીધા. મૅન ઑફ ધ મૅચ હૅરી બ્રૂકે અનેક વિક્રમો સાથે 317 રન નોંધાવ્યા તો જૉ રૂટે 262 રનના રૂપમાં છઠ્ઠી ડબલ સેન્ચુરી ફટકારી એટલે પાકિસ્તાનની ટીમ આ ડબલ-ટ્રબલના બોજ નીચે દબાઈ ગઈ. ઇંગ્લૅન્ડે 800-પ્લસના સ્કોર સાથે પાકિસ્તાન સામેનો એ વિક્રમજનક દાવ ત્રણ વિકેટ બાકી રાખીને ડિક્લેર કર્યો અને પછી શુક્રવારે બીજા દાવમાં શાન મસૂદની ટીમને ફક્ત 220 રનમાં પૅવિલિયન ભેગી કરીને મૅચ એક ઇનિંગ્સ અને 47 રનથી જીતી લીધી.

ફરી સિલેક્શન કમિટીની વાત પર આવીએ તો ક્રિકેટ બોર્ડે એવી પરિસ્થિતિ ઊભી કરી છે જેમાં પાકિસ્તાનની ટીમના ઘણા ખેલાડીઓએ ઘેર બેસી જવું પડે એવી હાલત છે. પીસીબીએ નવી સિલેક્શન કમિટી જાહેર કરી છે. એમાં અકિબ જાવેદ, અઝહર અલી અને હસન ચીમાની સાથે અલીમ દરને પણ ગોઠવી દીધા છે. અમ્પાયર તરીકેની લાંબી કારકિર્દી પૂરી કરીને અલીમ દર માંડ ફૅમિલી સાથે સ્થાયી થયા અને આગળના મહિનાઓમાં શું કરવું એની યોજના બનાવી રહ્યા હશે એવામાં પીસીબીએ તેમને સિલેક્શન કમિટીમાં સમાવીને ક્રિકેટ જગતને આંચકો આપ્યો છે.

કહેવાય છે કે હવેથી પાકિસ્તાનમાં ટીમના કોચની કોઈ જ ભૂમિકા ટીમ-સિલેક્શનમાં નહીં હોય.

મહાન ખેલાડીઓ ગૅરી કર્સ્ટન અને જેસન ગિલેસ્પીને પીસીબીએ કોચ બનાવ્યા છે, પરંતુ તેમનું પાકિસ્તાન ક્રિકેટમાંનું ભાવિ અનિશ્ર્ચિત જણાય છે.

પાકિસ્તાન સામે હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે મર્યાદિત ઓવર્સ માટેની ટીમની કૅપ્ટન્સી કોને સોંપવામાં આવશે?

બાબર આઝમે સુકાન છોડ્યું ત્યાર બાદ હવે નવો કૅપ્ટન કોણ બનશે? પાકિસ્તાનના ક્રિકેટર્સ એક પછી એક મહત્ત્વની મૅચ અને શ્રેણી હારવા લાગ્યા છે એટલે કૅપ્ટન બનવા કોણ તૈયાર થશે એ સૌથી મોટો મુદ્દો છે. શાન મસૂદ પાકિસ્તાનને ટેસ્ટમાં સફળતા નથી અપાવી શક્યો એટલે તેના માથે પણ લટકતી તલવાર છે. સવાલ એ છે કે મસૂદને હટાવવામાં આવશે તો તેનો અનુગામી બનાવી શકાય એવો મોટા નામવાળો કોઈ ખેલાડી પણ ટેસ્ટ ટીમમાં નથી.

આ બધુ જોતાં પાકિસ્તાન ક્રિકેટ માટે નજીકનું ભાવિ અંધકારમય છે. જોઈએ હવે નવી સિલેક્શન કમિટી આ અંધકાર દૂર કરી શકે છે કે નહીં.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker