પાકિસ્તાને ફરી બદમાશી કરી, આઇસીસીએ ઠપકો આપતા કહ્યું, ` કેમ તમે પરવાનગી વગર મોબાઈલથી મીટિંગનો વીડિયો બનાવ્યો?’

દુબઈઃ પાકિસ્તાન ક્રિકેટના માથે દશા બેઠી છે જેમાં તેમણે વધુ એક ગરબડ કરી હોવાનું કહીને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ને વધુ એક લપડાક લગાવી છે.
પહેલાં તો રવિવાર, 14મી સપ્ટેમ્બરે દુબઈમાં એશિયા કપ (Asia cup)ની ભારત સામેની મૅચના ટૉસ વખતે તેમના કૅપ્ટન સલમાન આગા સાથે હાથ ન મિલાવીને ભારતીય સુકાની સૂર્યકુમાર યાદવે તેને અને તેની ટીમને મર્યાદા બતાવી દીધી હતી, ત્યાર બાદ ભારત સામે સાત વિકેટે ઘોર પરાજય જોયો અને પછી પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ મિલાવવાને બદલે ભારતીય ખેલાડીઓએ ડ્રેસિંગ-રૂમમાં ગયા બાદ દરવાજો જોરથી બંધ કરીને પાકિસ્તાનીઓને શરમમાં મૂકી દીધા હતા. આ બધા ઉલ્ટા પાસાં પડ્યા એટલે પીસીબીએ મૅચ-રેફરી ઍન્ડી પાયક્રૉફ્ટને નિશાન બનાવ્યા અને તેમણે ટૉસ વખતે હાથ ન મિલાવવાની સલમાન આગાને સૂચના આપીને આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાના આક્ષેપ સાથે પાયક્રૉફ્ટ (PYCROFT)ને હોદ્દા પરથી હટાવવાની માગણી કરી હતી અને એશિયા કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. પાકિસ્તાન ટીમની પ્રેસ કૉન્ફરન્સ રદ કરાવવી, બુધવારે યુએઇ સામેની મૅચ પહેલાં પોતાના ખેલાડીઓને હોટેલમાં જ બેઠા રહેવાની સૂચના આપવી, મૅચ એક કલાક મોડી કરાવવી અને પછી પાયક્રૉફ્ટ તેમ જ ક્રિકેટ જગતના મોવડીઓ વચ્ચેની બંધ બારણાની મીટિંગનું મોબાઈલમાં વીડિયો-રેકૉર્ડિંગ (VIDEO RECORDING) કરવું અને પછી કહેવું કે પાયક્રૉફ્ટે અમારી માફી માગી છે એ બધી બાબતોથી પીસીબી પર આઇસીસી ક્રોધાયમાન છે. પીસીબીએ સામી દલીલ કરી છે કે આઇસીસીના નિયમ મુજબ અમારા મીડિયા મૅનેજરને મીટિંગના રેકૉર્ડિંગ માટે કૅમેરા વાપરવાની છૂટ હતી.
આ પણ વાંચો : ભારતીય ખેલાડીઓએ હાથ ન મિલાવતા પાકિસ્તાને નોંધાવી ફરિયાદ; જાણો શું છે વિવાદ…
પીસીબીને આઇસીસીની કડક ભાષામાં ઇ-મેઇલ
હવે મૂળ વાત પર આવીએ તો શુક્રવારે સાંજે આઇસીસીએ પ્રતિક્રિયા આપી હતી જેમાં જણાવાયું હતું કે બુધવારે યુએઇ સામેની મૅચ વિલંબમાં મૂકીને પાયક્રૉફ્ટ સાથે જે મીટિંગ યોજાઈ હતી એનું પાકિસ્તાનના ટીમ મૅનેજમેન્ટે મોબાઇલ પર જે વીડિયો રેકૉડિંગ કર્યું હતું એ આઇસીસીના નિયમનું ઉલ્લંઘન હતું.
પીટીઆઇના અહેવાલ મુજબ આઇસીસીના ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર (સીઇઓ) સંજોગ ગુપ્તાએ કડક ભાષામાં લખેલા ઇ-મેઇલમાં પીસીબીને જણાવ્યું છે કે ` તમે પ્લેયર્સ ઍન્ડ મૅચ ઑફિશ્યલ્સ એરિયા(પીએમઓએ)માં આયોજિત મીટિંગની વાતચીતને મોબાઇલમાં રેકૉર્ડ કરીને પ્રૉટોકૉલ તોડ્યો છે. તમે અનેક નિયમો તોડ્યા છે.’
એ મીટિંગમાં પાયક્રૉફ્ટ ઉપરાંત પાકિસ્તાનના કૅપ્ટન સલમાન આગા, હેડ-કોચ માઇક હેસન, ટીમ-મૅનેજર નાવીદ ચીમા તેમ જ મીડિયા-મૅનેજર નઇમ ગિલાની હાજર હતા.
આ પણ વાંચો : કે. જી.ના વિદ્યાર્થીઓ પણ ન કરે એવું વર્તન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું હતુંઃ મુરલી કાર્તિક
મૅનેજરને રોકવામાં આવ્યા હતા
બુધવારે સાંજે ગિલાનીએ જ્યારે આ મીટિંગની ફિલ્મ ઉતારવાની શરૂઆત કરી ત્યારે તેમને આઇસીસી તરફથી કહેવામાં આવ્યું હતું કે ભ્રષ્ટાચાર-વિરોધી સંહિતા મુજબ પીએમઓએમાં મોબાઇલ વાપરવાની છૂટ નથી. જોકે પીસીબીના મોવડીઓને ગમે એમ કરીને એ મીટિંગની ફિલ્મ ઉતારવી જ હતી અને તેમણે ધમકી આપી કે જો આવું કરતા તેમને રોકવામાં આવશે તો તેઓ યુએઇ સામેની મૅચ નહીં રમે. સમાધાન થયું હતું અને ગિલાનીને ઑડિયો વિના મીટિંગની ગતિવિધિ રેકૉર્ડ કરવાની છૂટ અપાઈ હતી.
આ પણ વાંચો : પાકિસ્તાનનો વધુ એક ડ્રામાઃ યુએઈની મેચ પૂર્વે પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરી
પાયક્રૉફ્ટે મીટિંગમાં શું કહેલું?
ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર અને એશિયા કપના મૅચ-રેફરી ઍન્ડી પાયક્રૉફ્ટે પીસીબીના મોવડીઓ સાથેની બેઠકમાં કહ્યું હતું કે ` ભારતીય સુકાની સૂર્યકુમાર યાદવ ટૉસ વખતે પાકિસ્તાની કૅપ્ટન સલમાન આગા સાથે હાથ નહીં મિલાવે એવો સંદેશ મને અપાયો હતો જે મેં માત્ર પાકિસ્તાની સુકાની સુધી પહોંચાડ્યો હતો એટલે મેં કોઈ સીધી સૂચના સલમાનને નહોતી આપી.’
કહેવાય છે કે રવિવારે દુબઈમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ માટેના રેફરી ઍન્ડી પાયક્રૉફ્ટ મેદાન પર ઊતર્યા એની માત્ર ચાર મિનિટ પહેલાં એશિયન કાઉન્સિલના વેન્યૂ મૅનેજરે તેમને સંદેશો આપ્યો હતો કે બીસીસીઆઇએ તેમને ભારત સરકારની મંજૂરી પછી કહેવડાવ્યું છે કે ટૉસ વખતે બન્ને ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને સલમાન આગા વચ્ચે હાથ મિલાવવા જેવું કંઈ જ થવું ન જોઈએ. પાકિસ્તાનની દલીલ એ છે કે પાયક્રૉફ્ટે આ વિનંતી વિશે અગાઉથી જ આઇસીસીને વાકેફ કરવી જોઈતી હતી. જોકે પાયક્રૉફ્ટનું કહેવું છે કે ફક્ત ચાર મિનિટમાં આઇસીસીનો સંપર્ક કરવાનો તેમની પાસે સમય જ નહોતો એટલે કહેવાય છે કે તેમણે સલમાન આગાને હકીકત જણાવી દીધી હતી કે જેથી આગા હાથ મિલાવવા આગળ વધે અને સૂર્યકુમાર ના પાડે તો તેણે શરમમાં મુકાઈ જવું પડે. એ જોતાં, પાયક્રૉફ્ટે આગાને શરમથી બચાવ્યો હતો.
આ પણ વાંચો : હેન્ડશેક વિવાદમાં પાકિસ્તાનને ‘ઝટકો’: મેચ રેફરીને હટાવવાની માગણી આઈસીસીએ ફગાવી
પીસીબીએ ખેદને માફી ગણાવી
પાયક્રૉફ્ટે પાકિસ્તાની ટીમ મૅનેજમેન્ટને ફક્ત એવું જ કહ્યું કે હાથ મિલાવવાના આ બનાવમાં કંઈક મિસકમ્યૂનિકેશન થયું લાગે છે જેનો તેમને ખેદ છે. જોકે પાયક્રૉફ્ટના આવા નિવેદનને પીસીબીએ ટ્વિસ્ટ કરીને જાહેર કર્યું કે પાયક્રૉફ્ટે અમારા કૅપ્ટન અને ટીમ-મૅનેજરની માફી માગી છે. જોકે આઇસીસીના સીઇઓ સંજોગ ગુપ્તાએ પીસીબીને ઇ-મેઇલમાં એવું પણ જણાવ્યું કે પાયક્રૉફ્ટે હૅન્ડશેક પ્રકરણ સંબંધમાં થયેલા મિસકમ્યૂનિકેશન સંબંધમાં ફક્ત ખેદ વ્યક્ત કર્યો હતો, માફી નહોતી માગી.
બુધવારે પાકિસ્તાન ક્રિકેટના નાટક બાદ યુએઇ સામેની મૅચ એક કલાક મોડી શરૂ થઈ હતી અને એ દરમ્યાન આઇસીસીએ તપાસ કર્યા બાદ પાયક્રૉફ્ટને આ આખા કિસ્સામાં ક્લીન-ચિટ આપી હતી.