પાકિસ્તાનની ચેસ ટીમે ભારતીય ધ્વજ સાથે પોઝ આપ્યો, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ
બુડાપેસ્ટ: હંગેરીના બુડાપેસ્ટમાં ચેસ ઓલિમ્પિયાડ 2024 (45th FIDE Chess Olympiad Budapest 2024)માં ભારતે શાનદાર જીત મેળવી હતી. ટુર્નામેન્ટ પછીના ફોટો સેશન દરમિયાન એક હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું હતું. પાકિસ્તાની ચેસ ટીમ(Pakistan Chess team)ના સભ્યોએ ટૂર્નામેન્ટ પછીના ફોટો સેશન દરમિયાન ભારતીય ધ્વજ સાથે પોઝ આપ્યો. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, ચેસ કેવી રીતે રાષ્ટ્રો વચ્ચે શાંતિપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપી શકે તે અંગે ચર્ચાઓ શરૂ થઇ હતી.
ચેસ ટૂર્નામેન્ટ સમાપ્ત થયા બાદના ફોટો સેશનનો વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે આ દરમિયાન પાકિસ્તાનના ખેલાડીઓએ ખેલદિલી દાખવી ભારતના ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતાં.
ભારતની મહિલા અને પુરુષ ટીમોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. ડી ગુકેશ, અર્જુન એરિગેસી અને આર પ્રજ્ઞાનંધાની સાથે પુરુષોની ટીમ 22 માંથી 21 પોઈન્ટ સાથે ટોચ પર રહી. ડી હરિકા, તાનિયા સચદેવ અને આર વૈશાલી સહિતની મહિલા ટીમે પણ અઝરબૈજાન સામેની જીત બાદ ગોલ્ડ મેળવ્યો હતો.
ઓલિમ્પિયાડમાં પાકિસ્તાનની સિદ્ધિઓની વાત કરીએ તો, પાકિસ્તાનના મોમિન ફૈઝાને 11 માંથી 6.5 પોઈન્ટ સાથે કેન્ડીડેટ માસ્ટર (CM) ટાઈટલ મેળવ્યું હતું, જ્યારે 11 વર્ષની આયત આસ્મીએ 10 માંથી 5 પોઈન્ટ સાથે વુમન કેન્ડીડેટ માસ્ટર (WCM) ટાઈટલ મેળવ્યું હતું.
જોકે આ પહેલા પણ પાકિસ્તાનના ખેલાડીઓ બે દેશને રમતના માધ્યમ જોડવાના પ્રયાસો કરી ચુક્યા છે. હોકીમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન, પાકિસ્તાની ખેલાડીઓએ ચીનનો ધ્વજ લહેરાવીને અને ચાઇનીઝ બેજ પહેરીને ચીનને સમર્થન દાખવ્યું હતું. બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો.