એક પછડાટ ખાધા પછી પણ પાકિસ્તાની કૅપ્ટનની શેખી, ભારત વિશે કહે છે કે… | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

એક પછડાટ ખાધા પછી પણ પાકિસ્તાની કૅપ્ટનની શેખી, ભારત વિશે કહે છે કે…

યુએઇને હરાવી સુપર-ફોરમાં પહોંચ્યા પછી સલમાન આગાએ બૅટિંગ વિશે ઘેરી ચિંતા વ્યક્ત કરી

દુબઈઃ પાકિસ્તાને રવિવાર, 14મી સપ્ટેમ્બરે દુબઈમાં એશિયા કપ (Asia cup)ના લીગ મુકાબલામાં ભારત સામે સાત વિકેટે કારમો પરાજય જોયો અને ત્યાર પછી હૅન્ડશેક વિવાદ’માં સમગ્ર પાકિસ્તાનની આબરૂ ચીંથરેહાલ થઈ એમ છતાં પાકિસ્તાનના કૅપ્ટન સલમાન આગા (Salman Agha)ને હજી આગામી રવિવારના ભારત સામેના સુપર-ફોર (Super-4) રાઉન્ડના મુકાબલા વિશે શેખી કરવાનું મન થઈ ગયું છે. તેણે યુએઇ સામેના વિજય પછીના ઇનામ વિતરણ સમારોહમાં કહ્યું, અમે કોઈ પણ પડકાર માટે તૈયાર છીએ, કોઈ પણ ટીમને હરાવી શકીએ એમ છીએ.’

પાકિસ્તાનની ટીમ એશિયા કપમાં સૌથી પહેલાં તો ઓમાન જેવી ટચૂકડી ટીમ સામે સાત વિકેટ ગુમાવ્યા બાદ સાધારણ બોલિંગ પર્ફોર્મન્સની મદદથી જીત્યું હતું, પરંતુ ત્યાર બાદ ભારત સામે પાકિસ્તાનનું નાક કપાઈ ગયું હતું. પાકિસ્તાને નવ વિકેટે ફક્ત 127 રન બનાવ્યા બાદ ભારતે સાત વિકેટ અને પચીસ બૉલ બાકી રાખીને વિજય હાંસલ કરી લીધો હતો. કૅપ્ટન સૂર્યકુમાર યાદવે મૅચ પહેલાં ટૉસ વખતે દુશ્મન-દેશ પાકિસ્તાનના સુકાની સલમાન આગા સાથે હાથ નહોતા મિલાવ્યા અને મૅચ પછી ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ મિલાવવાનું ટાળીને તેમને ફરી શરમમાં મૂકી દીધા હતા.

સુપર-ફોર રાઉન્ડમાં માંડ-માંડ પહોંચનાર પાકિસ્તાનનો સુકાની સલમાન આગા ખામી કબૂલ કરતા અને અતિ ઉત્સાહમાં આવતા કહે છે, ` અમે છેલ્લા ચાર મહિનાથી જે રીતે રમી રહ્યા છીએ એ જ રીતે રમીશું તો આગામી મૅચોમાં કોઈ પણ મોટા પડકારને પહોંચી વળીશું. અમે કોઈ પણ ટીમને હરાવી શકીએ એમ છીએ. જોકે અમે યુએઇને હરાવી સુપર-ફોરમાં પહોંચી તો ગયા, અમારે મિડલ-ઑર્ડરમાં બૅટિંગ સુધારવાની જરૂર છે. આ જ અમારા માટે મોટી ચિંતા છે અને એમાં સુધારો લાવવો જ પડશે. અમે આ ટૂર્નામેન્ટમાં હજી 150ની આસપાસ જ રન કરી શક્યા છીએ. મિડલ-ઑર્ડરની બૅટિંગ સારી થઈ જાય તો અમે કોઈ પણ ટીમ (ભારત) સામે 170 જેટલા રન તો કરી જ શકીએ.’

યુએઇ જેવી ઓછી જાણીતી ટીમ સામે પાકિસ્તાનનો માંડ એક ખેલાડી હાફ સેન્ચુરી ફટકારી શક્યો હતો. ફખર ઝમાને 50 રન કર્યા હતા અને બીજા બૅટ્સમેનો ફ્લૉપ ગયા બાદ ફરી એક વખત શાહીન શાહ આફ્રિદી (29 અણનમ)એ ફટકાબાજીથી પાકિસ્તાની બૅટિંગ લાઇન-અપની આબરૂ બચાવી હતી. યુએઇ 105 રન બનાવી શકતા પાકિસ્તાનનો 41 રનથી વિજય થયો હતો. યુએઇની ટીમમાં ભારતીય મૂળના ખેલાડી રાહુલ ચોપડાના 35 રન હાઇએસ્ટ હતા. રવિવારે ભારત-પાકિસ્તાન મૅચ ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી રમાશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button