પાકિસ્તાન મહિલા વર્લ્ડ કપની બહાર લગભગ ફેંકાઈ જ ગયું | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

પાકિસ્તાન મહિલા વર્લ્ડ કપની બહાર લગભગ ફેંકાઈ જ ગયું

કોલંબો: અહીં બુધવારે મહિલાઓનાં વન-ડે વર્લ્ડ કપમાં વરસાદને કારણે મૅચ અનિર્ણીત રાખવામાં આવતાં ઇંગ્લૅન્ડની ટીમ શરમજનક પરાજયથી બચી ગઈ હતી અને પોઈન્ટ્સ ટેબલમાં એણે મોખરે સ્થાન મજબૂત બનાવી લીધું હતું, જ્યારે બીજી તરફ પાકિસ્તાનની ટીમ ઐતિહાસિક વિજયથી વંચિત રહેવા ઉપરાંત હવે સેમિ ફાઇનલ માટેની રેસની લગભગ બહાર થઈ ગઈ છે.

સતત બીજી મૅચ અનિર્ણીત

મંગળવારે વરસાદને કારણે કોલંબો (Colombo)માં શ્રીલંકા અને ન્યૂ ઝીલૅન્ડની મૅચ વરસાદને લીધે રદ કરવામાં આવતાં બુધવારની મૅચ વિશે પણ એવો જ ડર હતો. ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લૅન્ડ (England) અને પાકિસ્તાન (Pakistan)ની મૅચ મેઘરાજાની મહેરબાનીને કારણે અધવચ્ચે અનિર્ણીત જાહેર કરવામાં આવી હતી. એ વખતે પાકિસ્તાનને ડક્વર્થ-લુઇસ પદ્ધતિ અનુસાર 31 ઓવરમાં જીતવા માટે 113 રનનો નવો લક્ષ્યાંક મળ્યો હતો, પણ પાકિસ્તાનનો સ્કોર 6.4 ઓવરમાં વિના વિકેટે 34 રન હતો ત્યારે ફરી વરસાદ પડતાં મૅચ પડતી મૂકવામાં આવી હતી અને બન્ને ટીમને એક-એક પોઇન્ટ અપાયા હતા.

બદનસીબ પાકિસ્તાન

મુખ્ય મૅચમાં ઇંગ્લૅન્ડ વરસાદનાં રાઉન્ડ બાદ નિર્ધારિત 31 ઓવરમાં 9 વિકેટે 133 રન કરી શક્યું હતું. પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાએ ચાર વિકેટ લીધી હતી. પાકિસ્તાનને જીતવાની સુવર્ણ તક મળી હતી જે મેઘરાજાએ છીનવી લીધી હતી. નવી ગોઠવણ પ્રમાણે સનાની ટીમને 31 ઓવરમાં માત્ર 113 રન બનાવવાનું કહેવાયું હતું. પાકિસ્તાનની મહિલાઓને વન-ડેમાં ઇંગ્લેન્ડ સામે પહેલી જ વખત જીતવાનો ચાન્સ મળ્યો હતો, પણ તેઓ વરસાદને કારણે વંચિત રહી હતી.

તળિયાનાં પાકિસ્તાનનું ભાવિ હવે કેવું?

હવે ઇંગ્લૅન્ડ સેમિ ફાઇનલમાં લગભગ પહોંચી જ ગયું છે, જયારે પાકિસ્તાની ટીમ ફક્ત એક પોઇન્ટ સાથે સાવ તળિયે છે. એની પાસે માત્ર એક પોઇન્ટ છે અને આઠેય ટીમમાં પાકિસ્તાનનો નેટ રનરેટ (-1.887) સૌથી ખરાબ છે. પાકિસ્તાને બાકીની ત્રણેય લીગ મૅચ જીતવા ઉપરાંત ભારત સહિત અન્ય ટીમોના પરિણામો પોતાની તરફેણમાં રહે એવી પ્રાર્થના કરવી પડશે.

ભારત ક્યા સ્થાને?

પોઈન્ટ્સમાં ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા પછી ભારત 4 પોઇન્ટ તથા +0.682ના રનરેટ સાથે ચોથા નંબરે છે.

આજે કોની મૅચ?

આજે વિશાખાપટનમમાં ઑસ્ટ્રેલિયા-બાંગ્લાદેશ વચ્ચે મૅચ રમાશે.

આ પણ વાંચો…ભારત-પાકિસ્તાનનો ` હૅન્ડશેક વિવાદ’ પૂરો થયો? જાણો કેવી રીતે

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button