ન્યૂ ઝીલૅન્ડે ટ્રાયેન્ગ્યુલર જીતીને પાકિસ્તાનની સાથે ભારતને પણ ચેતવી દીધું…

કરાચીઃ પાકિસ્તાને પોતાને ત્યાં 29 વર્ષે પહેલી વાર આઇસીસીની મોટી ઇવેન્ટ (ચૅમ્પિયન્સ ટ્રોફી)નું આયોજન કર્યું છે અને એ ટૂર્નામેન્ટ 19મી ફેબ્રુઆરીએ શરૂ થાય એ પહેલાં એણે આ સ્પર્ધાના જ મેદાનો પર રાખેલી ટ્રાયેન્ગ્યૂલર વન-ડે શ્રેણીમાં એનો (પાકિસ્તાનનો) આજે ફાઇનલમાં ઘડોલાડવો થઈ ગયો હતો. આ ત્રિકોણીય સ્પર્ધાના નિર્ણાયક મુકાબલામાં મિચલ સૅન્ટનરના સુકાનમાં ન્યૂ ઝીલૅન્ડે યજમાન પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવી દીધું હતું.
Also read : ક્રિકેટરોની ખાવા-પીવાની સમસ્યા દૂર થશે, બીસીસીઆઈએ નક્કી કર્યું છે કે…
કિવીઓ માટે આ વિજય ખૂબ અગત્યનો છે, કારણકે હવે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂ ઝીલૅન્ડે ગ્રૂપ એ’માં પાકિસ્તાન ઉપરાંત ચૅમ્પિયન બનવા માટે ફેવરિટ ભારતનો પણ મુકાબલો કરવાનો છે એટલે એણે એક ફાઇનલ જીતીને બે મોટા હરીફને પોતાની તાકાત વિશે સાવચેત કરી દીધા છે. બાંગ્લાદેશ ચૅમ્પિયન્સ ટ્રોફીના ગ્રૂપએ’ની ચોથી ટીમ છે. યોગાનુયોગ, 19મીએ સ્પર્ધાની પ્રથમ મૅચ પાકિસ્તાન-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે કરાચીના આ જ મેદાન પર રમાવાની છે.
આજે પાકિસ્તાને બૅટિંગ લીધા બાદ કૅપ્ટન મોહમ્મદ રિઝવાનના 46 રન તથા સલમાન આગાના 45 રન અને તૈયબ તાહિરના 38 રનની મદદથી 242 રન બનાવ્યા હતા. વિલ ઑરુરકેએ ચાર વિકેટ તેમ જ બે્રસવેલ અને સૅન્ટનરે બે-બે વિકેટ લીધી હતી.
ન્યૂ ઝીલૅન્ડે ડેરિલ મિચલના 57 રન અને વિકેટકીપર ટૉમ લૅથમના 56 રન તેમ જ ઓપનર ડૅવૉન કૉન્વેના 48 રનની મદદથી 45.2 ઓવરમાં પાંચ વિકેટે 243 રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો.
Also read : આવતી કાલે ડબ્લ્યૂપીએલ શરૂઃ મુંબઈની ઑલરાઉન્ડર ઈજાને લીધે સ્પર્ધાની બહાર
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં 20મી ફેબ્રુઆરીએ ભારતનો બાંગ્લાદેશ સામે, 23મીએ પાકિસ્તાન સામે અને બીજી માર્ચે ન્યૂ ઝીલૅન્ડ સામે મુકાબલો થવાનો છે.