પાકિસ્તાને હાથમાં આવી રહેલી બાજી ગુમાવી, ન્યૂ ઝીલૅન્ડ 2-0થી આગળ
હૅમિલ્ટન: ન્યૂ ઝીલૅન્ડ સામે પાકિસ્તાન પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની પ્રથમ મૅચ 46 રનથી હારી ગયા પછી રવિવારે નવા કૅપ્ટન શાહીન શાહ આફ્રિદીના સુકાનમાં પાકિસ્તાનને બીજી મૅચ જીતીને શ્રેણી 1-1થી લેવલ કરવાનો બહુ સારો મોકો હતો, પણ એણે એ ગુમાવ્યો હતો અને ન્યૂ ઝીલૅન્ડે રોમાંચક મુકાબલામાં 21 રનથી વિજય મેળવી લીધો હતો.
195 રનના લક્ષ્યાંક સામે ખરાબ શરૂઆત કર્યા પછી પાકિસ્તાનના વિજયની આશા જાગી હતી, કારણકે છેક 97મા રનના સ્કોર સુધી એની બે જ વિકેટ હતી અને બાકીની 10 ઓવરમાં બીજા 98 રન બની શકે એમ હતા. જોકે ધબડકો શરૂ થયો અને જોત જોતામાં બીજી ત્રણ વિકેટ 108 રનના સ્કોર સુધીમાં પડી ગઈ હતી. ફખર ઝમાને આક્રમક ફટકાબાજીમાં પચીસ બૉલમાં પાંચ સિક્સર અને ત્રણ ફોરની મદદથી 50 રન બનાવ્યા હતા, પણ તે એ જ સ્કોરે રવિવારના સ્ટાર બોલર ઍડમ મિલ્નનો શિકાર થઈ ગયો હતો. ત્યાર બાદ બાબર આઝમે (66 રન, 43 બૉલ, બે સિક્સર, સાત ફોર) બાજી સંભાળી હતી અને તેને કૅપ્ટન આફ્રિદી (બાવીસ રન, 13 બૉલ, બે સિક્સર, એક ફોર)નો ટૂંકો સાથ મળ્યો હતો. 153 રનના કુલ સ્કોર સુધીમાં છ વિકેટ પડી ચૂકી હતી અને બાકીની ત્રણ ઓવરમાં 42 રન બનાવવાના બાકી હતા, પરંતુ 153 રને સાતમી વિકેટ, 165 રને આઠમી અને એ જ સ્કોરે નવમી તેમ જ 173મા રને છેલ્લી વિકેટ પડી જતાં પાકિસ્તાનની હાર થઈ હતી. મિલ્નએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
જોકે ઓપનર ફિન ઍલન (73 રન, 41 બૉલ, પાંચ સિક્સર, સાત ફોર) આ મૅચનો અવૉર્ડ વિજેતા હતો. પાકિસ્તાની બોલરોમાં કૅપ્ટન શાહીન આફ્રિદી વિકેટ વિનાનો રહી ગયો હતો. હૅરિસ રઉફે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. કૅપ્ટન કેન વિલિયમસન સાથળના સ્નાયુઓ ખેંચાઈ જતાં 26 રનના તેના સ્કોરે રિટાયર હર્ટ થયો હતો. હવે બુધવારે ડનેડિનમાં ત્રીજી ટી-20 રમાશે.