બે પાકિસ્તાની સ્પિનરે લીધી તમામ 20 વિકેટ, કૅપ્ટન મસૂદને અપાવી પ્રથમ જીત…
પાકિસ્તાન 11 ટેસ્ટ બાદ પહેલી વાર જીત્યું, ઇંગ્લૅન્ડનો 152 રનથી પરાજય

મુલતાન: પાકિસ્તાને અહીં શુક્રવારે ઇંગ્લૅન્ડને બીજી ટેસ્ટમાં 152 રનથી હરાવીને ત્રણ મૅચની સિરીઝને 1-1થી લેવલ કરી હતી. ખાસ વાત એ છે કે પાકિસ્તાનના બે સ્પિનરે મૅચમાં ઇંગ્લૅન્ડની તમામ 20 વિકેટ લીધી હતી. કૅપ્ટન શાન મસૂદે સુકાન સંભાળ્યું ત્યાર બાદ તમામ છ ટેસ્ટ હાર્યો હતો અને શુક્રવારે તેણે પહેલી વાર વિજય માણ્યો હતો.
આ પણ વાંચો : પાકિસ્તાનને નવા ઑલરાઉન્ડરે મુસીબતમાંથી ઉગાર્યું, જાણો કેવી રીતે…
પાકિસ્તાનની ટીમ સતત 11 ટેસ્ટમાં વિજયથી વંચિત રહ્યા બાદ 12મી ટેસ્ટમાં જીત્યું છે. પાકિસ્તાન જે 11 ટેસ્ટમાં જીત નહોતું મેળવી શક્યું એમાંથી ચાર પરાજય એણે ઇંગ્લૅન્ડ સામે જોવા પડ્યા હતા અને હવે એને જ હરાવીને પરાજયનો સિલસિલો અટકાવ્યો છે.
પાકિસ્તાન 2021ની સાલ પછી પહેલી વાર ઘરઆંગણે ટેસ્ટ જીતવામાં સફળ થયું છે.
બેન સ્ટૉક્સના સુકાનમાં ઇંગ્લૅન્ડની ટીમ 297 રનના ટાર્ગેટ સામે ફક્ત 144 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી. એકેય બ્રિટિશ બૅટર 40 રન પણ નહોતો બનાવી શક્યો. બેન સ્ટૉક્સના 37 રન ટીમમાં હાઇએસ્ટ હતા.
આ પણ વાંચો : PAK vs ENG: જો રૂટે લીચના માથા પર બોલ કેમ ઘસ્યો? VIDEO જોઇને કોમેન્ટેટર્સ હસી પડ્યા
લેફ્ટ-આર્મ સ્પિનર નોમાન અલીએ પ્રથમ દાવમાં 101 રનમાં ત્રણ વિકેટ લીધા બાદ શુક્રવારે બીજા દાવમાં 46 રનમાં આઠ વિકેટ લીધી હતી. એ સાથે, તેણે મૅચમાં કુલ 11 વિકેટ લીધી હતી. ઑફ-સ્પિનર સાજિદ ખાને પહેલા દાવમાં 111 રનમાં સાત વિકેટ લીધી હતી એને કારણે જ બ્રિટિશ ટીમનો દાવ 291 રને સમેટાયો હતો અને પાકિસ્તાન 75 રનની સરસાઈ લઈ શક્યું હતું. સાજિદ ખાને બીજા દાવમાં 93 રનમાં બે વિકેટ લીધી હતી. તેણે બન્ને દાવમાં બેન ડકેટ અને ઑલી પૉપને આઉટ કર્યા હતા.
નોમાન અલી અને સાજિદ ખાને આખી ટેસ્ટમાં તમામ 20 વિકેટ લીધી હતી. ટેસ્ટ-જગતનો આવો સાતમો કિસ્સો છે અને છેલ્લે આવું 1972માં (બાવન વર્ષ પહેલાં) બન્યું હતું. ત્યારે લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામે ઑસ્ટ્રેલિયાના બૉબ મૅસીએ મૅચમાં કુલ 16 અને ડેનિસ લિલીએ ચાર વિકેટ લીધી હતી.
આ પણ વાંચો : બે ભૂતપૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાની ટેસ્ટ ટીમની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી…
હવે બન્ને દેશ વચ્ચે ગુરુવારથી રાવલપિંડીમાં ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ રમાશે.