સ્પોર્ટસ

PAK vs BAN 2nd Test: કૃષ્ણ ભક્ત બાંગ્લાદેશી બેટ્સમેન ટીમ માટે બન્યો સંકટ મોચક, મેચ રોમાંચક મોડ પર

રાવલપિંડી: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે પાકિસ્તાન(PAK vs BAN)ને તેમની ધરતી પર જ ટેસ્ટ મેચમાં હરાવી ઈતિહાસ રચ્યો હતો. હાલ બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ રાવલ પિંડી(Rawalpindi)માં રમાઈ રહી છે, આ મેચમાં પણ બાંગ્લાદેશ મજબુત પ્રદર્શન કરી રહી છે. બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશની ટીમનો સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન લિટન દાસ(Litton Das) ટીમ માટે સંકટ મોચક સાબિત થયો હતો. લિટને પ્રેશર હેઠળ 228 બોલમાં 138 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

પ્રથમ ટેસ્ટ જીતીને બાંગ્લાદેશે સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. જ્યારે બીજી મેચમાં પણ પાકિસ્તાનને જોરદાર ટક્કર આપી રહી છે. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમે 274 રન બનાવ્યા હતા.

આ પછી બાંગ્લાદેશની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. બાંગ્લાદેશે માત્ર 26 રનમાં જ 6 વિકેટ ગુમાવી દીધી હતી. મુશફિકુર રહીમ (3), શાકિબ અલ હસન (2), ઝાકિર હસન (1), કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો (4), મોમિનુલ હક (1) અને શાદમાન ઇસ્લામ (10) ફ્લોપ રહ્યા હતા.

આ પછી લિટન દાસ 7મા નંબરે બેટિંગ કરવા આવ્યો અને તેણે શાનદાર ઇનિંગ રમી. તેણે મેહદી હસન મિરાજ સાથે મળીને 7મી વિકેટ માટે 165 રનની પાર્ટનરશીપ કરી અને ટીમને મુશ્કેલીમાંથી ઉગારી. લિટને 228 બોલમાં 138 રનની ઇનિંગ રમી, તેણે 4 છગ્ગા અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા.

જ્યારે મેહદી હસન મિરાજે 124 બોલમાં 78 રનની ઇનિંગ રમી હતી. તેણે 1 સિક્સર અને 12 ફોર ફટકારી હતી. જેના કારણે બાંગ્લાદેશે પ્રથમ ઇનિંગમાં 262 રન બનાવ્યા અને પાકિસ્તાનથી માત્ર 12 રન પાછળ રહી.

નોંધનીય છે કે લિટન દાસ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છે. લિટન પોતાને ભગવાન શ્રી કૃષ્ણના સેવક ગણાવે છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના બાયોમાં પણ આ લખ્યું છે કે ‘જીવનમાં ક્યારેય હાર ન માનો, કારણ કે મોટા તોફાન પછી જ મેઘધનુષ્ય ખીલે છે.’ આ સાથે લિટન દાસે નીચે લખ્યું છે કે, ‘શ્રી કૃષ્ણનો સેવક અને પ્રાણીપ્રેમી.’

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button