પિચ ક્યૂરેટરની બદમાશીઃ ભારતીય ખેલાડીઓને પિચ પરથી હટાવાયા, પણ રૂટ-પૉપને મૉક પ્રૅક્ટિસ કરવા દીધી! | મુંબઈ સમાચાર

પિચ ક્યૂરેટરની બદમાશીઃ ભારતીય ખેલાડીઓને પિચ પરથી હટાવાયા, પણ રૂટ-પૉપને મૉક પ્રૅક્ટિસ કરવા દીધી!

લંડનઃ અહીંના ધ ઓવલ મેદાન પરના પિચ ક્યૂરેટર લી ફૉર્ટિસે (Lee Fortis) મંગળવારે પિચ (Pitch)ની સમીક્ષા કરવા આવેલા ભારતીય ટીમના હેડ-કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) અને તેના કોચિંગ-સ્ટાફને પિચ તથા એની આસપાસના કુલ 2.5 મીટર વિસ્તારની બહાર ઊભા રહેવા કહીને તેમનું અપમાન કર્યું એ વિવાદ વધી રહ્યો છે, કારણકે એક તરફ ભારત સાથે ગ્રાઉન્ડ્સમેનના ચીફે મંગળવારે ભેદભાવ રાખ્યો હતો અને બીજી તરફ બુધવારે જૉ રૂટ તથા કાર્યવાહક સુકાની ઑલી પૉપ એ જ મુખ્ય પિચ પર ઊભેલા જોવા મળ્યા હતા અને તેમણે પિચ પર મૉક બૅટિંગ-પ્રૅક્ટિસ પણ કરી હતી. બન્ને બ્રિટિશ બૅટ્સમૅને પિચ પર જ બૅટિંગની સ્ટાઇલમાં પિચ વિશેનો અંદાજ લઈ લીધો હતો.

મંગળવારે ભારતીય કોચિંગ સ્ટાફના મેમ્બર્સે સ્પાઇક નહોતા પહેર્યાં અને રબરના શૂઝ પહેર્યાં હતા તો પણ તેમને પિચની આસપાસ પણ આવવાની મનાઈ કરાઈ હતી. ચીફ ક્યૂરેટર ફૉર્ટિસે પિચ પર આવવાની ના પાડી એટલે હેડ-કોચ ગૌતમ ગંભીર તેના પર ગુસ્સે થયો હતો અને તેના તરફ આંગળી બતાવીને તેને કહ્યું હતું, તમે અમને ન કહો કે અમારે શું કરવાનું અને શું નહીં. અમને ના પાડવાનો તમને કોઈ જ અધિકાર નથી. તમે માત્ર એક ગ્રાઉન્ડ્સમૅન છો.

આ પણ વાંચો: ગ્રાઉન્ડ્સમૅને અમને પિચથી અઢી મીટર દૂર રહેવા કહ્યું એટલે પરિસ્થિતિ તંગ થઈ ગઈઃ સિતાંશુ કોટક

ગંભીરને થયેલા અપમાન વિશે કૅપ્ટન ગિલે શું કહ્યું?

કૅપ્ટન શુભમન ગિલને પત્રકારો દ્વારા ગંભીરની મંગળવારની ઘટના વિશે પૂછવામાં આવતાં તેણે કહ્યું, કોચને પિચનું અવલોકન કરવાનો પૂરો અધિકાર છે. પિચ ક્યૂરેટર કેમ અમને મનાઈ કરતા હતા એ જ નથી સમજાતું. અમે બે મહિનાથી ઇંગ્લૅન્ડમાં છીએ અને અગાઉના મેદાનો પરની પિચની સમીક્ષા અમે કરી હતી. અહીં ઓવલમાં જે કંઈ થયું એ અગાઉ અમે ક્યારેય નહોતું અનુભવ્યું. (પિચ ક્યૂરેટરે) અમારી સાથે એવું વર્તન કરવાની કોઈ જ જરૂર નહોતી. અમારા કોચિંગ સ્ટાફે રબર સ્પાઇક પહેર્યાં હતા. આવા સ્પાઇક પહેર્યાં હોય કે ઉઘાડા પગે આવ્યા હોય તો મનાઈ કરવાનો પિચ ક્યૂરેટરને કોઈ હક નથી. પિચનું અવલોકન કરવાનો કોચ અને કૅપ્ટને હક હોય છે.

આ પણ વાંચો: ગૌતમ ગંભીર ઓવલના ગ્રાઉન્ડ સ્ટાફ સાથે ઝઘડી પડ્યા; જાણો શું છે કારણ

ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર પાર્થિવ પટેલે દિલ્હીમાં એક ઇવેન્ટ વખતે પીટીઆઇને જણાવ્યું હતું કે ગૌતમ ગંભીરને પિચનું અવલોકન કરવાનો પૂરો અધિકાર હતો. તેની સાથે પિચ ક્યૂરેટરનું વર્તન તદ્ન અશોભનીય કહેવાય. પિચની સમીક્ષા હેડ કોચ અને તેમના સ્ટાફ ન કરે તો બીજું કોણ કરે?’

ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં ઑસ્ટ્રેલિયા સામેની ઍશિઝ ટેસ્ટ સિરીઝ વખતે એક મૅચના 48 કલાક પહેલાં લંડનના આ જ (ઓવલ) મેદાન પર ઇંગ્લૅન્ડના કોચ બે્રન્ડન મૅક્લમ અને આ જ પિચ ક્યૂરેટર લી ફૉર્ટિસે ઘણી વાર સુધી પિચની આસપાસ નહીં, પણ પિચ પર ઊભા રહીને વાતો કરી હતી અને એનો ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. એ જ ક્યૂરેટરે ગંભીર ઍન્ડ કંપની સાથે ભેદભાવ રાખ્યો એ બદલ ક્યૂરેટરની ખૂબ ટીકા થઈ રહી છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button