સ્પોર્ટસ

નીરજ ચોપડા ચાર દિવસમાં બીજું ટાઇટલ જીત્યો છતાં કેમ ખુશ નથી?

ઑસ્ટ્રાવા (ઝેક રિપબ્લિક): ભાલાફેંકમાં ભારતના સુપરસ્ટાર નીરજ ચોપડા (NEERAJ CHOPRA)એ કરીઅરમાં ભાગ્યે જ મેળવી છે એવી ઉપરાઉપરી બે સિદ્ધિ હાંસલ કરી છે. તેણે ચાર દિવસમાં લાગલગાટ બે સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને ટાઇટલ જીતી લીધું છે. મંગળવારે તેણે અહીં ગોલ્ડન સ્પાઇક મીટમાં પહેલી જ વાર ભાગ લીધો હતો અને એમાં 85.29 મીટરના થ્રોના સાધારણ પર્ફોર્મ છતાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું હતું. સાઉથ આફ્રિકાનો ડૉઉ સ્મિટ (84.12 મીટર) બીજા નંબરે અને બે વખત વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલો ગે્રનાડાનો ઍન્ડરસન પીટર્સ (83.63 મીટર) ત્રીજા સ્થાને રહ્યો હતો.

20મી જૂને (ચાર દિવસ પહેલાં) નીરજે પૅરિસ ડાયમંડ લીગમાં 88.16 મીટરના બેસ્ટ થ્રો સાથે સ્પર્ધા જીતી લીધી હતી. એ પહેલાં, મે મહિનામાં તેણે કારકિર્દીમાં પહેલી વખત 90.00 મીટરનું વિઘ્ન પાર કરવાની અનેરી સિદ્ધિ મેળવી હતી. નીરજે ચાર દિવસમાં બે મોટા ટાઇટલ જીત્યા છે છતાં પોતાના પર્ફોર્મન્સ વિશે ખુશ નથી. નીરજે જાન્યુઆરી, 2025માં ભૂતપૂર્વ ટેનિસ પ્લેયર હિમાની મોર સાથે લગ્ન કર્યા હતા. આ વર્ષ નીરજ માટે શુકનવંતુ બન્યું છે અને એનો પુરાવો તેણે મંગળવારે ઑસ્ટ્રાવામાં આવ્યો હતો. ગોલ્ડન સ્પાઇક મીટ (GOLDEN SPIKE MEET)માં નવ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને એ તમામમાં નીરજનો પર્ફોર્મન્સ સર્વશ્રેષ્ઠ હતો.

ઝેક રિપબ્લિકના યૅન ઝેલેઝની ભાલાફેંક (JAVELIN THROW)ની રમતના ગે્રટેસ્ટ ઍથ્લીટ છે. તેમનો 98.48 મીટરનો વર્લ્ડ રેકૉર્ડ છે જે 29 વર્ષથી અતૂટ છે. ઝેલેઝની હાલમાં નીરજના જ કોચ છે. બે ઑલિમ્પિક મેડલ જીતી ચૂકેલા નીરજે મંગળવારે ઑસ્ટ્રાવાની ગોલ્ડન સ્પાઇક ઇવેન્ટમાં ભાલો 85.29 મીટર દૂર ફેંકીને ટાઇટલ જીતી લીધા પછી કહ્યું હતું કે ` હું મંગળવારના મારા પર્ફોર્મન્સથી ખુશ નથી. ઝેક રિપબ્લિકમાં ભાલાફેંકની રમત ખૂબ જ લોકપ્રિય છે અને ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમની સામે મેં જોઈએ એવું સારું પર્ફોર્મ નથી કર્યું. જોકે હું જે ટ્રોફી જીત્યો છું એ બદલ આનંદિત છું. હું નાનો હતો ત્યારે આ સ્પર્ધા અચૂક જોતો હતો અને હવે મેં એમાં જ ટાઇટલ જીતી લીધું એની મને બેહદ ખુશી છે. આ સ્પર્ધામાં મેં (ભાલાફેંકમાં) લેજન્ડરી ઍથ્લીટ ઝેલેઝનીને અને (રનિંગમાં) ઉસેન બોલ્ટને પર્ફોર્મ કરતા જોયા હતા ત્યારે મેં અહીં ટાઇટલ જીતવાનું સપનું સેવ્યું હતું અને જીતી લીધું એ બદલ ખૂબ આનંદિત છું.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button