‘કોહલીએ 15 વર્ષમાં પહેલી વાર રજા લીધી એમાં કંઈ જ ખોટું નથી કર્યું’…આવું કોણે કહ્યું?
રાજકોટ: જો કોઈ ખેલાડીને અંગત કારણસર થોડીઘણી રજા જોઈતી હોય તો એમાં તેમને સપોર્ટ કરવો જરૂરી છે, એવું બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહે કહ્યું છે.
વિરાટ કોહલીએ અંગત કારણસર ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન ટેસ્ટ-સિરીઝમાં રમવાનું ટાળ્યું છે એને ધ્યાનમાં રાખીને જય શાહે બુધવારે રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના સમારોહ વખતે આવું જણાવ્યું હતું.
કોહલી અને તેની પત્ની અનુષ્કાને ત્યાં બીજું બાળક અવતરવાનું હોવાથી કોહલીએ પરિવારની સાથે રહેવા લાંબો બ્રેક લીધો છે.
જોકે આ સેલિબ્રિટી કપલે હજી પ્રેગનન્સીની બાબતમાં કંઈ જ સત્તાવાર જાણ નથી કરી. તેમણે પહેલું બાળક અવતર્યું એ પહેલાં એને લગતી જાણ સોશિયલ મીડિયામાં કરી હતી. તેમને ત્રણ વર્ષની પુત્રી છે જેનું નામા વામિકા છે.
જય શાહે બુધવારે પત્રકારોને કહ્યું, ‘જો કોઈ પ્લેયર 15 વર્ષમાં પહેલી વાર અંગત કારણસર રજા લે તો એમાં કંઈ જ ખોટું નથી. એ તેનો અધિકાર છે. વિરાટ ક્યારેય કંઈ પણ કારણ વગર રજા નથી માગતો. આપણે આપણા ખેલાડીઓને પીઠબળ આપવું જોઈએ અને તેમના અપ્રોચ બાબતમાં તેમના પર ભરોસો કરવો જોઈએ.’ જોકે જય શાહે જેમ રોહિત શર્મા વિશે કહ્યું એવું ચોક્કસપણે વિરાટ વિશે સ્પષ્ટ નિવેદન નથી આપ્યું. જય શાહે બુધવારે જણાવ્યું હતું કે જૂનના ટી-20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા જ ભારતીય ટીમની કૅપ્ટન્સી સંભાળશે.
વિરાટ કોહલી એ વિશ્ર્વકપ માટે ઉપલબ્ધ હશે કે કેમ એ વિશે જય શાહે કંઈ જ માહિતી નહોતી આપી. તેમણે એટલું જ કહ્યું હતું કે ‘એ બાબતમાં અમે વિરાટ સાથે પછીથી ચર્ચા કરીશું.’
મોહમ્મદ શમીની ઈજા બાબતમાં જય શાહે પત્રકારોને કહ્યું, ‘શમી રમવા માટે ફિટ થઈ જશે એ બાબતમાં અમને જાણકારી મળશે ત્યારે એ તમારા સુધી પહોંચાડીશું.’