નવા ઑનલાઇન ગૅમિંગ ખરડાથી ભારતીય ક્રિકેટની આવકને થઈ શકે માઠી અસર

નવી દિલ્હીઃ લોકસભામાં બુધવારે પસાર થયેલો ઑનલાઇન ગૅમિંગ સંબંધિત ખરડો ઇ-સ્પોર્ટસ અને શૈક્ષણિક ઑનલાઇન ગૅમિંગ માટે મોટું સીમાચિહ્ન બની રહેશે, પરંતુ એમાં રિયલ મની ગૅમિંગ પરના જે નિયંત્રણો છે એની સીધી માઠી અસર ભારતીય ક્રિકેટ માટેની સ્પૉન્સરશિપને થઈ શકે. નવા કાયદાને લીધે સમગ્ર દેશમાં રિયલ મની ગૅમિંગ પ્લૅટફૉર્મ ગેરકાયદેસર કહેવાશે.
ડ્રીમ11 અને માય11સર્કલ જેવી જાણીતી ફૅન્ટસી સ્પોર્ટ્સ સાઇટે ભારતીય ક્રિકેટમાં સ્પૉન્સરશિપ તરીકે તેમ જ ટીમના સ્પૉન્સર તરીકે કરોડો રૂપિયા રોક્યા છે જે જોતાં એને ઑનલાઇન રિયલ મની (online real money games) ગેમ્સ વિષયક નવા કાયદાની અસર થશે.
આ પણ વાંચો: ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મુક્તા બિલને લોકસભામાં મંજુર કરાયું
આ ગેમ્સ માટેના પેમેન્ટના વ્યવહારમાં ભૂમિકા ભજવવાની નાણાંકીય સંસ્થાઓને મનાઈ કરવામાં આવી છે અને એનો ભંગ કરનાર માટે મોટી પેનલ્ટી લાગુ કરવાની જોગવાઈ રખાઈ છે જેમાં દંડ ઉપરાંત કારાવાસની જોગવાઈ પણ રહેશે.
ડ્રીમ11 નામની સાઇટ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના સ્પૉન્સરશિપ પાછળ અંદાજે 358 કરોડ રૂપિયા રોકવામાં આવ્યા છે અને ટીમની ટાઇટલ સ્પૉન્સરશિપ મેળવી છે. નવા કાયદાથી ક્રિકેટ લીગ ટૂર્નામેન્ટો તથા એના ફ્રૅન્ચાઇઝીઓને તેમ જ ક્રિકેટની ઇકોસિસ્ટમને અસર થઈ શકે.