
મુંબઈઃ ડ્રીમ11 જેવી તમામ પ્રકારની ઑનલાઇન ફૅન્ટસી સ્પોર્ટ્સ ઍપ તેમ જ ગૅમ્બલિંગ પ્લૅટફૉર્મ પર પ્રતિબંધ લાગુ કરતો જે ખરડો આ અઠવાડિયે લોકસભા તેમ જ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યો એને પગલે ટીમ ઇન્ડિયા હવે જર્સી સ્પૉન્સર તરીકે ડ્રીમ11નું નામ ગુમાવશે એવી સંભાવના વચ્ચે એવું પણ મનાય છે કે નવમી સપ્ટેમ્બરે શરૂ થનારા એશિયા કપમાં ભારતીય ટીમના ખેલાડીઓ સ્પૉન્સરના નામ વિના રમશે. સટ્ટા અને જુગાર પર પ્રતિબંધ મૂકતો આ નવો કાયદા ટીમ ઇન્ડિયા પરની સૌથી મોટી અસર તરીકે ઓળખાવી શકાય. વાસ્તવમાં આ ગેમિંગનું દૂષણ વર્ષોથી અનૈતિક રીતે ચાલતું હતું જેના પર છેક હવે લગામ તાણવામાં આવી છે.
ગેમિંગ (Gaming)ના આ ધંધા અને ટેક્સની આવકની આ રમત પર છેક હવે કેન્દ્ર સરકારના ખેલકૂદ મંત્રાલય (Sports Ministry)નો આ અંકુશ આવ્યો છે. ટીમ ઇન્ડિયાને આવા પ્રકારના સ્પૉન્સર હવે નહીં મળે અને ક્રિકેટ બોર્ડને આવા સ્પૉન્સર (Sponser) તરફથી કરોડો રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ નહીં મળે, પરંતુ સૌથી સારી વાત એ છે કે આવી ગેમિંગ ઍપ પર તવાઈ આવવાથી અનેક પરિવારો બચી જશે. ખાસ કરીને યુવા વર્ગના કરોડો લોકો ગેમિંગ ઍપ સાથે સંકળાયેલા હતા જેને લીધે તેઓ કરોડો રૂપિયા ગુમાવતાં હતા જે હવે બંધ થઈ જશે.
આ પણ વાંચો: કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલ ઓનલાઈન ગેમિંગ બિલ શું છે?
પત્તાં જુગાર છે તો ગેમિંગ શું હતું?
પત્તાં રમો તો જુગાર, પરંતુ મોબાઇલ પર ગેમિંગમાં મગ્ન થઈ જાઓ તો મનોરંજન અને ક્રિકેટની ટૅલન્ટ. આ વળી કેવું! પાનાં રમવા એ ગુનો ગણાય છે, પણ ક્રિકેટના મેદાન પરની ગતિવિધિઓ અને ખેલાડીઓના પર્ફોર્મન્સને આધારે મોબાઇલ પર ગેમ રમો તો એ સત્તાવાર ગમ્મત! આ ભેદભાવ વર્ષોથી ચાલતો હતો જે હવે બંધ થઈ જશે.
બીસીસીઆઇના સેક્રેટરી દેવાજિત સૈકિયાએ કહ્યું છે કે ` ક્રિકેટ બોર્ડ કેન્દ્ર સરકારના દરેક કાયદા અને નીતિનું પાલન કરશે. જેની પરવાનગી નહીં હોય એ અમે નહીં જ કરીએ.’
એવું મનાય છે કે બીસીસીઆઇ હવે ટીમ ઇન્ડિયાના સ્પૉન્સર માટે નવા ટેન્ડર બહાર પાડશે.
આ પણ વાંચો: નવા ઑનલાઇન ગૅમિંગ ખરડાથી ભારતીય ક્રિકેટની આવકને થઈ શકે માઠી અસર
ડ્રીમ11ની રોકડાની રમતો બંધ
એક જાણીતી વેબસાઇટના અહેવાલ મુજબ ડ્રીમ11 (Dream11)એ સંસદના બન્ને ગૃહમાં (પ્રમોશન ઍન્ડ રેગ્યુલેશન ઑફ ઑનલાઇન ગેમિંગ બિલ) ખરડો પસાર થયા બાદ પોતાની વેબસાઇટ પર શુક્રવારે જણાવ્યું હતું, રોકડાની રમત અને સ્પર્ધાઓ બંધ કરવામાં આવી છે.' જોકે આવું જણાવવાની સાથે ક્રિકેટચાહકોને
સ્ટે ટ્યૂન્ડ’ની અરજ પણ કરવામાં આવી હતી. આ ખરડો અમલી બનાવવા માટે રાષ્ટ્રપતિની મહોર મારવી જરૂરી છે અને એ પહેલાં શુક્રવારે આ વેબસાઇટ પરની અન્ય કેટલીક રમતો ચાલુ રહી હતી.
201 અબજ રૂપિયાના સટ્ટા પર લગામ
ઑનલાઇન રિયલ મની ગેમ્સને પ્રોત્સાહન આપવું કે એને માટે નાણાકીય સહાય કરવી એ હવેથી ગુનો ગણાશે અને ગુનેગારને પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકશે.
સરકારી આંકડાના અંદાજો પરથી જાણવા મળ્યું છે કે કંપનીઓ વર્ષે આશરે 45 કરોડ લોકો પાસેથી 2.30 અબજ ડૉલર (અંદાજે 201 અબજ રૂપિયા) ઊભા કરતી હતી. જોકે હવે આ મસમોટા સટ્ટા પર લગામ મૂકવામાં આવી છે.
આ પણ વાંચો: ઑનલાઇન બેટિંગ ઍપ કેસ: હાઇ કોર્ટે અભિનેતા
ટીમ ઇન્ડિયાના સ્પૉન્સર્સના ભૂતકાળ પર એક નજર
ટીમ ઇન્ડિયા સાથે સંકળાયેલા ઘણા સ્પૉન્સર્સ નાણાકીય કે કાનૂની ગૂંચમાં અટવાઈ ચૂક્યા હોવાનું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. 2001થી 2013 સુધી ટીમ ઇન્ડિયાના જર્સી પર સહારાનો લોગો ચમકતો હતો, પરંતુ નિયમનને લગતા ભંગ બદલ સેબીએ આ ગ્રૂપને ભરડામાં લીધું હતું. સ્ટાર ઇન્ડિયા 2014થી 2017 સુધી લીડ સ્પૉન્સર હતી, પરંતુ કૉમ્પિટિશન કમિશન દ્વારા એની વિરુદ્ધ તપાસ થઈ હતી. 2017માં ઑપો સાથે પાર્ટનરશિપ થઈ હતી, પણ 2020માં આર્થિક મુશ્કેલીઓના કારણસર આ ભાગીદારીનો અકાળે અંત આવી ગયો હતો. 2020માં બાયજૂસને બીસીસીઆઇ તરફથી જર્સી સ્પૉન્સરશિપનો હક મળ્યો હતો. જોકે પેમેન્ટમાં ડિફૉલ્ટ થવાને કારણે બીસીસીઆઇ આ શૈક્ષણિક સંસ્થાને અદાલતમાં લઈ ગઈ હતી અને એ સાથે શિક્ષણ આધારિત આ કંપનીના ભારતીય ક્રિકેટ સાથેના સંબંધોનો અંત આવ્યો હતો.