એક તો કાળઝાળ ગરમી અને એમાં પીવાનું પાણીયે નહીં, પ્રેક્ષકોનો તો પિત્તો જ ગયો!

પુણે: બેન્ગલૂરુમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પ્રેક્ષકો વરસાદના વિઘ્નોને કારણે હેરાન-પરેશાન હતા, જ્યારે અહીં પુણેમાં ગુરુવારે બીજી ટેસ્ટના પ્રથમ દિવસે પ્રેક્ષકો કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની અછતને કારણે ક્રોધે ભરાયા હતા.
વાત એવી છે કે મહારાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનના સ્ટેડિયમમાં પૅકેજ્ડ પીવાના પાણીની બૉટલનો સ્ટૉક મોડો આવતાં પ્રેક્ષકોનો પિત્તો ગયો હતો. કેટલાક ક્રિકેટપ્રેમીઓએ યજમાન ક્રિકેટ ઍસોસિયેશનની વિરુદ્ધમાં સૂત્રો પોકાર્યા હતા.
ઍસોસિયેશનના સત્તાવાળાઓએ પછીથી ક્રિકેટચાહકોની માફી માગી હતી.
સવારે મૅચ શરૂ થઈ એ પહેલાંંથી જ ઘણા પ્રેક્ષકો આવી ગયા હતા અને ત્યાર પછી પણ ઘણા લોકો સ્ટેડિયમમાં પ્રવેશ્યા હતા. 18,000 પ્રેક્ષકોની હાજરીમાં ભારત-ન્યૂ ઝીલૅન્ડમાં શરૂઆતથી જ રોમાંચક વળાંકો આવ્યા હતા ત્યાં ઘણા પ્રેક્ષકો છત વિનાના સ્ટૅન્ડમાં બેઠા હતા જ્યાં પંખા નહોતા અને ધમધોખતા તડકામાં ગરમીથી ત્રસ્ત હતા. પહેલા સત્રના અંતે ઘણા પ્રેક્ષકો પીવાના પાણી માટે નીચે ઊતર્યા ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે પાણીની બૉટલ્સ આવી જ નથી.
ઘણા લોકોએ સૂત્રો પોકારવાની શરૂઆત કરી દીધી હતી ત્યાં બૉટલનો સ્ટૉક આવી પહોંચતાં સિક્યૉરિટીના કર્મચારીઓએ બૉટલ વહેંચવાની શરૂઆત કરી દેતાં મામલો ઠંડો પડ્યા હતો.