એકવાર વિવ રિચર્ડ્સે પણ સચિનને બૅટિંગના ‘ભગવાન’ તરીકે ઓળખાવ્યો હતો!
મુંબઈ: ક્રિકેટજગતના ગ્રેટેસ્ટ-એવર બૅટર અને માસ્ટર બ્લાસ્ટર તરીકે જાણીતા સચિન તેન્ડુલકરે જિંદગીના 51 વર્ષ પૂરા કર્યા એ પ્રસંગે તેને અંગત રીતે, ફોન પર તેમ જ સોશિયલ મીડિયા મારફત અસંખ્ય લોકોની શુભેચ્છા મળી રહી છે ત્યારે તેને ભગવાન માનવાની બાબતમાં ઘણું રસપ્રદ જાણવા જેવું જે આજે તેના બર્થ-ડે નિમિત્તે જાણી જ લઈએ.
અસંખ્ય ચાહકો માટે સચિન ક્રિકેટનો ભગવાન છે. એટલું જ નહીં, વર્તમાન ક્રિકેટનો બેસ્ટ બૅટર વિરાટ કોહલી પણ સચિનને ભગવાન માને છે અને તાજેતરમાં એક મૅચ વખતે કોહલીએ સચિનનો જ એક વિક્રમ તોડ્યા પછી સ્ટેડિયમમાં બેઠેલા તેન્ડુલકર તરફ ઝૂકીને તેને નમન કર્યું હતું.
આ પણ વાંચો: બર્થ-ડે બૉય સચિન તેન્ડુલકરની નેટવર્થ જાણીને ચોંકી જશો!
વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટ-લેજન્ડ વિવ રિચર્ડ્સ એક સમયને વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ બૅટર તરીકે ઓળખાતા હતા. તેમના જેવા વિસ્ફોટક બૅટર આજ સુધી નથી જોવા મળ્યા. ખુદ રિચર્ડ્સે એક વાર સચિનને બૅટિંગના ‘ગૉડ’ તરીકે ઓળખાવ્યો હતો. બની શકે કે તેમણે લિટલ ચૅમ્પિયનની બૅટિંગની અદ્ભુત ટૅલન્ટ ઉપરાંત તેની જે અપ્રતિમ લોકપ્રિયતા છે તેમ જ ક્રિકેટજગતમાં તેની જે કદર થાય છે એને પણ ધ્યાનમાં લીધી જ હશે.
રિચર્ડ્સે 2011ના વન-ડે વર્લ્ડ કપ પહેલાં એક મુલાકાતમાં કહ્યું હતું, ‘ભારતીય ટીમે ભાવનાત્મક કારણસર પણ આ ટ્રોફી જીતી લેવી જોઈએ. એમાં ખાસ કરીને સચિન તેન્ડુલકરના સન્માન માટે આ ટ્રોફી જીતી લેવી જોઈએ.’
આ પણ વાંચો: MS Dhoni: માહીને કેમેરામેન પર ગુસ્સો કેમ આવ્યો? બોટલ ફેંકીને નારાજગી દર્શાવી, જાણો શું થયું
રિચર્ડ્સે ઇન્ટરવ્યૂમાં સર ડૉન બ્રૅડમૅન અને સચિન વિશે પૂછાતાં જવાબમાં કહ્યું, ‘2011નો વર્લ્ડ કપ ભારત કેમ જીતવું જોઈએ એ વિશે મેં મારી લાગણીઓ વ્યક્ત કરી દીધી હતી. ઘણા લોકો મને પૂછતા હોય છે કે તમે ઘણા બૅટર્સને જોયા છે અને એ બધામાં તમે કોને બેસ્ટ માનો છો? હું જવાબમાં કહેતો હોઉં છું કે મેં બ્રૅડમૅન વિશે ઘણું સાંભળ્યું છે અને તેમના વિશે ઘણા ક્રિકેટ-પંડિતોનો જે મત છે એનું હું સન્માન કરું છું. જોકે જ્યારે મને સચિન વિશે કોઈ પૂછે ત્યારે હું તેમને કહું કે મેં સચિનને રમતો જોયો છે એટલે હું તો મારી દૃષ્ટિ પર વિશ્ર્વાસ કરીને કહી દઉં છું કે સચિન બૅટિંગનો ભગવાન છે. સચિને બૅટિંગની બાબતમાં ભારતીય ટીમ માટે એક પ્રકારનો પાયો નાખી આપ્યો છે. (2011નો વર્લ્ડ કપ) સચિનનો છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે એટલે હું ભાવનાત્મક રીતે ઇચ્છું છું કે ભારત જ આ ટ્રોફી જીતવું જોઈએ.’
વિવ રિચર્ડ્સ ત્યારે ભારતને એટલું બધુ ફેવરિટ માનતા હતા કે પોતાના દેશ વેસ્ટ ઇન્ડિઝને પણ ફાઇનલમાં હરાવવાનો સમય આવે તો એમાં પણ ભારતની તરફેણમાં હતા.