ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય મહિલાટીમનો દબદબો, ચાર બેટરએ ફટકારી અડધી સદી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો નવો રેકોર્ડ: ઈંગ્લેન્ડ સામે નવી મુંબઈમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટમેચમાં ભારતની શુભા સતીષ અને જેમીમા રોડ્રીગ્સે અડધી સદી ફટકારી હતી. ડી.વાય. પાટિલ સ્ટેડિયમમાં ભારતીય ટીમે પહેલા દિવસની રમતના અંતે સાત વિકેટે ૪૧૦ રન કર્યા હતા, જે નવો વિક્રમ હતો. આ મેચમાં ચાર ખેલાડીઓએ અડધી સદી ફટકારી હતી. (પીટીઆઈ)
મુંબઇ: નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ગુરુવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચનો પ્રારંભ થયો હતો. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ દિવસના અંતે સાત વિકેટ ગુમાવીને ૪૧૦ રન કરી લીધા હતા. દિવસના અંતે દીપ્તિ શર્મા ૬૦ રન અને પૂજા વસ્ત્રાકર ચાર રન કરીને રમી રહ્યા હતા.
ભારતની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી અને ૪૭ રનમા બન્ને ઓપનર આઉટ થઈ ગયા હતા. સ્મૃતિ મંધાના (૧૭) અને શેફાલી વર્મા (૧૯) ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. ત્રીજી વિકેટ માટે જેમિમાહ રોડ્રિગ્ઝ અને શુભા સતીશે ૧૪૬ બોલમાં ૧૧૫ રનની ભાગીદારી
કરી હતી. આ પછી કેપ્ટન હરમનપ્રીત કૌર (૪૯) અને યાસ્તિકા ભાટિયાએ પાંચમી વિકેટ માટે ૧૪૬ બોલમાં ૧૧૬ રનની ભાગીદારી કરી હતી.
મહિલા ટેસ્ટ મેચના એક જ દિવસમાં ૪૦૦થી વધુ રન કરનારી ભારતીય મહિલા ટીમ ઇતિહાસમાં બીજી ટીમ બની છે. આ પહેલા ઈંગ્લેન્ડે પણ એકવાર આવું કર્યું હતું.
ટોપ ઓર્ડર બેટ્સમેન શુભાએ તેની પ્રથમ મેચમાં જ શાનદાર બેટિંગ કરી હતી. ૯૦.૭૯ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા તેણે ૭૬ બોલમાં ૬૯ રન ફટકાર્યા હતા. આ સિવાય શુભા સતીશ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનારી બીજી ભારતીય મહિલા બેટ્સમેન બની હતી. શુભા ઉપરાંત પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચ રમી રહેલી રોડ્રિગ્ઝે પણ પ્રથમ દાવમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે ૯૯ બોલમાં ૬૮ રન કર્યા હતા.
વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયાએ સારી બેટિંગ કરી હતી. તેણે ૮૮ બોલમાં ૬૬ રન કર્યા હતા. આ ઇનિંગમાં તેણે ૧૦ ફોર અને એક સિક્સ પણ ફટકારી હતી. આ તેની મહિલા ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીની પ્રથમ અડધી સદી હતી. અનુભવી ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ પણ પ્રથમ દાવમાં પોતાની અડધી સદી પૂરી કરીને ટીમને મોટા સ્કોર તરફ લઇ ગઇ હતી. તેણે ૯૫ બોલમાં અણનમ ૬૦ રન કર્યા હતા. આ ઇનિંગમાં તેણે ૯ ફોર અને એક સિક્સર ફટકારી હતી.
ઇગ્લેન્ડ તરફથી લૌરેન બેલે બે વિકેટ ઝડપી હતી. કેટ ક્રોસ, નતાલી રુથ સાયવર-બ્રન્ટ, ચાર્લી ડીન,
સોફી એક્લેસ્ટોને એક-એક વિકેટ ઝડપી હતી.