ઑલિમ્પિક્સના આરંભ પહેલાં જ કોવિડ-19ની એન્ટ્રીથી સનસનાટી, પાંચ ખેલાડીઓના રિપોર્ટ પૉઝિટિવ
પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સનો શુક્રવારે શાનદાર ઓપનિંગ સાથે આરંભ થાય એ પહેલાં જ કોવિડ-19ની મહામારીએ આ રમતોત્સવમાં પોતાની હાજરી બતાવીને થોડો ડર અને ચિંતા ફેલાવી દીધા છે. ઑસ્ટ્રેલિયાની મહિલાઓની વૉટર-પૉલો ટીમની પાંચ ખેલાડીઓના કોરોનાને લગતા પૉઝિટિવ રિપોર્ટ આવ્યા છે.
ઑસ્ટ્રેલિયન સંઘના ચીફ ઍના મીઅર્સે પત્રકારોને કહ્યું હતું કે ‘અમારા સંઘમાં કોવિડ-19ના કેસ વિમેન્સ વૉટર પૉલો ટીમ સુધી સીમિત છે. જે પાંચ મહિલા પ્લેયરને કોવિડ-19ના વાઇરસની અસર થઈ છે તેમને ક્વૉરન્ટીન કરાઈ છે અને તેઓ પૂર્ણપણે વાઇરસ-મુક્ત થયા બાદ જ્યારથી તાલીમ ફરી શરૂ કરવા માગતી હોય ત્યારથી શરૂ કરવાની તેમને છૂટ અપાઈ છે. અમે તમામ ઍથ્લીટો અને ખેલાડીઓ માટે પ્રૉટોકૉલ્સ નક્કી કર્યા છે અને તેઓ એને અનુસરી રહ્યા છે.’
આ પણ વાંચો :પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય સ્પર્ધકોનું શરૂઆતનું શેડ્યૂલ શું છે?
ઍના મીઅર્સે પોતાના દેશના સંઘના તમામ લોકોને જણાવી દીધું છે કે જ્યારે પણ તમને લાગે કે તમારી તબિયત સારી નથી અને કોઈક પ્રકારના (કોરોનાનાં કે અન્ય પ્રકારના તાવના) લક્ષણો અનુભવી રહ્યા છો ત્યારે તમે ઇચ્છો એટલો આરામ કરી શકશો.
જાપાનમાં ટોક્યો ઑલિમ્પિક્સ 2020માં યોજાવાની હતી, પરંતુ કોવિડ-19ની મહામારીને લીધે એ રમતોત્સવ મુલતવી રખાયો હતો અને 2021માં યોજાયો હતો. ત્યાર બાદ 2022માં ચીનના બીજિંગમાં વિન્ટર ઑલિમ્પિક્સ પણ કોવિડ સંબંધિત પ્રૉટોકૉલ્સ હેઠળ યોજાઈ હતી.