નેશનલસ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

ઓલિમ્પિક મુક્કેબાજીમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય મહિલા: મેરી કોમ

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

માંગ્તે ચુંગનેઈજંગને ઓળખો છો ? આ પ્રશ્ર્નના ઉત્તરમાં કોઈ પણ નકારમાં જવાબ વાળશે, પરંતુ જો કોઈ એમ કહે કે મેરી કોમનું નામ સાંભળ્યું છે, તો જવાબ હકારમાં જ મળશે. એમ.સી.મેરી કોમ ભારતની પ્રખ્યાત મહિલા મુક્કેબાજ છે. તે મુક્કેબાજીમાં પાંચ વખત વિશ્ર્વ ચેમ્પિયન બની છે. એટલું જ નહીં, ઓલિમ્પિક મુક્કેબાજીમાં ચંદ્રક મેળવનાર એ પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં છ સુવર્ણ ચંદ્રક, એક રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રકની એ વિજેતા છે. ૨૦૧૨માં લંડનમાં આયોજિત ઓલિમ્પિકમાં ભાગ લેનારી અને ફ્લાયવેઇટ કેટેગરીમાં ૫૧ કિલોગ્રામ વર્ગમાં પોલેન્ડની કેરોલિના મિકાલઝુક અને ટ્યુનિશિયાની મરુઆ રહાલીને હરાવીને કાંસ્યપદક જીતનારી એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે. આઈબાએ તેને ૨૦૦૮માં મેગ્નિફિસેન્ટ મેરીના બિરુદથી નવાજી છે.

મેગ્નિફિસેન્ટનો અર્થ ભવ્ય, શાનદાર કે પ્રભાવશાળી થાય ! મેરી કોમ એક ખેલાડી તરીકે ભવ્ય, શાનદાર અને પ્રભાવશાળી જ કહી શકાય. ચંદ્રક જીતવાની પરંપરા સર્જનાર મેરી કોમે મુક્કેબાજીમાં મેળવેલી સિદ્ધિઓ પર એક નજર : અમેરિકામાં ૨૦૦૧માં આયોજિત ઇન્ટરનેશનલ એમેચ્યોર બોક્સિંગ એસોસિયેશન-એઆઈબીએ વિમેન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં રજતચંદ્રક, ૨૦૦૨માં તુર્કીમાં આયોજિત એઆઈબીએ વિમેન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક, ૨૦૦૩માં ભારતમાં આયોજિત એશિયન વિમેન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક, ૨૦૦૫માં તાઈવાનમાં આયોજિત એશિયન વિમેન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક, ૨૦૦૬માં ડેન્માર્કમાં આયોજિત વીનસ વિમેન બોક્સ કપ અને ભારતમાં આયોજિત વર્લ્ડ વિમેન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક, ૨૦૦૮માં ભારતમાં આયોજિત એશિયન વિમેન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક-૨૦૦૮, ૨૦૦૯માં વિયેટનામમાં આયોજિત એશિયન ઇન્ડોર ગેમ્સ સુવર્ણ ચંદ્રક, ૨૦૧૦માં કઝાકિસ્તાનમાં આયોજિત એશિયન વિમેન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક, ૨૦૧૧માં ચીનમાં આયોજિત એશિયન વિમેન કપમાં સુવર્ણ ચંદ્રક, ૨૦૧૨માં મોંગોલિયામાં આયોજિત એશિયન વિમેન ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક, ૨૦૧૨માં લંડનમાં આયોજિત ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક અને ૨૦૧૪માં દક્ષિણ કોરિયામાં આયોજિત એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક… મેરી કોમની આ સફળતાને પગલે ભારત સરકારે પણ તેને વિવિધ પુરસ્કારોથી નવાજી છે.

૨૦૦૩માં અર્જુન એવોર્ડ, ૨૦૦૬માં દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રી, ૨૦૦૯માં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર અને ૨૦૧૩માં દેશના ત્રીજા સર્વોચ્ચ સન્માન પદ્મભૂષણથી પુરસ્કૃત કરી છે. ૨૦૧૬થી ૨૦૨૨ સુધી મેરી કોમ રાજ્યસભાની સભ્ય રહી ચૂકી છે. પણ એને ઓળખ મુક્કેબાજ તરીકેની જ મળી અને ફળી છે ! મુક્કેબાજ મેરી કોમનો જન્મ મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં આવેલા કાંગાથેઇ ગામની કોમ જનજાતિમાં ૨૪ નવેમ્બર ૧૯૮૨ના થયેલો. જોકે બાળપણમાં તેના કાકાએ શાળામાં ભૂલથી જન્મતારીખ એક માર્ચ લખી દીધેલી. ખુદ મેરી કોમે આ બાબતનો ખુલાસો કરેલો. પણ મેરીએ કાકાની ભૂલ સ્વીકારી લઈને જન્મતારીખ ન બદલવાનો નિર્ણય કર્યો હોવાથી સત્તાવાર દસ્તાવેજોમાં એની જન્મતારીખ ૧ માર્ચ ૧૯૮૨ જ નોંધાયેલી છે. મેરી પિતાને આપા કહેતી. આપા મેરી કોમને લાડમાં સનાહેન કહીને બોલાવતાં, જેનો અર્થ સૌથી વહાલી દીકરી થાય છે ! મેરી કોમ વહાલી દીકરી જ હતી. દરિદ્રતાએ એના ભણતરને અવરોધવાનો પ્રયત્ન કરેલો, પણ માતાપિતાએ બાળકોને ભણાવવા ગરીબી સાથે બાથ ભીડેલી. મેરીને મોઈરંગની લોકતાક ક્રિશ્ર્ચિયન મોડલ હાઈસ્કૂલમાં ભણવાનું શરૂ કર્યું. શાળાના પહેલા દિવસે પરિવારમાં ઉત્સવનો માહોલ હતો. મેરીની માતા માંગ્તે એખામ કોમ તમામ કામ કોરાણે મૂકીને દીકરીને શાળાએ મૂકવા ગયેલી. થોડા દિવસો સુધી માતા એખામ કોમ મેરીને મૂકવા જતી. પછીથી મેરી રોજ એક કલાક ચાલીને શાળાએ જતી. એને ભણવા કરતાં ખેલકૂદ પ્રત્યે રુચિ હતી. શાળામાં વાર્ષિક રમતોત્સવની એ કાગડોળે પ્રતીક્ષા કરતી. એ સો મીટર, ચારસો મીટર અને લાંબા અંતરની દોડ જેવી મોટા ભાગની રમતોમાં ભાગ લઈને વિજેતા બનતી. ઈનામમાં પ્લેટ, કપ તેમ જ ટિફિનબોક્સ લઈને ઘેર જતી. લોહચુંબક પ્રત્યે ખેંચાતા લોખંડની જેમ મેરીનું રમતો પ્રત્યેનું આકર્ષણ વધતું ગયું.

દરમિયાન, છઠ્ઠા ધોરણ પછી મેરીનો દાખલો મોઈરંગને એજ સેન્ટ ઝેવિયર્સ શાળામાં કરવામાં આવ્યો. આ શાળાની ખાસિયત એ હતી કે તેનું મેદાન વિશાળ હતું. આ મેદાનમાં યોજાતી તમામ ખેલકૂદ પ્રતિયોગિતામાં ભાગ લઈને મેરી કોમ ઇનામ જીતતી. વ્યક્તિગત રમતોમાં મેરીની સફળતાથી શાળાના આચાર્ય અને શિક્ષકો ખુશ હતાં. તેમણે મેરીને રમતગમત જગતમાં કારકિર્દી ઘડવાની સલાહ આપી. આ સલાહને પગલે આપાએ ઇમ્ફાલમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અંગે જાણકારી મેળવવાનું શરૂ કર્યું. ૧૯૯૯માં માતા માંગ્તે એખામ કોમ મેરીને લઈને ઇમ્ફાલ ગઈ. સાઈ-સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કોમ્પ્લેક્સ તાક્યેલમાં કોચ ગોસા સાથે મુલાકાત કરી. મેરીની ખેલકૂદ પ્રત્યેની ધગશ જોઈને ખુશ થયેલા કોચે એને પ્રશિક્ષણ આપવાનું નક્કી કરી લીધું. તે સમયે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં મહિલા બોક્સિંગને સામેલ કરવા માટે વિચારણા ચાલતી હતી. બોક્સિંગનું નામ સાંભળી મેરી કોમ તેના પ્રત્યે આકર્ષાઈ. મેરીએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જાણીતા બોક્સિંગ કોચ રહેલા ઓજા ઈબોમ્ચા પાસેથી મુક્કેબાજીનું પ્રશિક્ષણ લેવાનું શરૂ કર્યું. થોડા સમય બાદ મેરીને અહેસાસ થયો કે એ બોક્સર થવા જ જન્મી છે. બોક્સર તરીકે મેરી કોમે ભારતનું નામ ઉજાળ્યું. ચંદ્રકો જીતવાની પરંપરા એણે આરંભી. આખરે ઓલિમ્પિકમાં પણ દેશને ચંદ્રક અપાવ્યો. મહિલા મુક્કેબાજીમાં દેશનો એ પહેલો ચંદ્રક હતો. મેરી કોમ અત્યારે પોતાની સ્પોર્ટ્સ એકેડેમીમાં બોક્સરોને તૈયાર કરી રહી છે. એ બોક્સર બનવા માગતા યુવાનો અને અન્ય રમતવીરોને એક જ સંદેશ આપે છે : ક્યારેય હાર ન માનતા, કારણ કે જિંદગી તમને હંમેશાં બીજો મોકો આપે છે!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button