ઓહ નો! મહિલા કૅપ્ટને સિક્કો હવામાં ઉછાળવાને બદલે જમીન પર પટક્યો!
ક્રાઇસ્ટચર્ચ: ક્રિકેટની રમત જ્યારથી ફાસ્ટ ફૉર્વર્ડ થઈ છે એટલે કે ટી-૨૦ અને ટી-૧૦ ફૉર્મેટની મૅચો રમાતી થઈ છે ત્યારથી નિયમોમાં અને ખેલાડીઓના અપ્રોચમાં નવા ફેરફાર અને અલગ વર્તન જોવા મળ્યા છે.
ન્યૂ ઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચથી મળતા અહેવાલ મુજબ ડ્રીમ-૧૧ સુપર સ્મૅશ ૨૦૨૩-’૨૪ નામની વિમેન્સ ટૂર્નામેન્ટમાં કૅન્ટરબરી મૅજિશ્યન્સ અને વેલિંગ્ટન બ્લેઝ નામની ટીમ વચ્ચેની મૅચ હતી જેમાં ટૉસનો ટાઇમ થયો એટલે બંને ટીમની કૅપ્ટન પિચ પર આવી ગઈ હતી. આ મૅચ ઇન્ટરરેસ્ટિંગ બને એ પહેલાં ટૉસની ક્ષણોએ સૌકોઈનું ધ્યાન ખેંચ્યું હતું. સામાન્ય રીતે કૅપ્ટન ટૉસ વખતે સિક્કો હવામાં ઉછાળે છે અને એ જમીન પર પડતાં કયા કૅપ્ટનનો કૉલ સાચો પડ્યો એ નક્કી થાય છે, પરંતુ આ કિસ્સામાં તો સાવ ઊલટું જ થયું. કૅન્ટરબરી મૅજિશ્યન્સ ટીમની કૅપ્ટન ફ્રૅન્કી મૅકેએ સિક્કો જમીન પર પટકી દીધો હતો. કૉઇન જમીન પર પટકાયા પછી સિક્કો જમીન પર સરકીને દૂર પડ્યો હતો.
ખુદ ફ્રૅન્કી મૅકે ટૉસ હારી ગઈ હતી અને હરીફ કૅપ્ટન એમિલિયા કૅરે ટૉસ જીતતાં બૅટિંગ પસંદ કરી હતી. જ્યારે ફ્રૅન્કી મૅકેને ટૉસ દરમ્યાન નાટ્યાત્મક ઢબે સિક્કો ઉછાળવા વિશે પૂછવામાં આવતાં તેણે કહ્યું, ‘છેલ્લી થોડી મૅચોમાં અમારી પકડ નહોતી એટલે અમે થોડો ફેરફાર કંઈક હટકે કરવા માગતા હતા. અમે જોવા માગતા હતા કે આવું કરવાથી અમારો સમય બદલાય છે કે નહીં! કમનસીબે, કૅન્ટરબરી મૅજિશ્યન્સનો સમય બદલાયો નહીં અને તેમણે વધુ એક પરાજય જોવો પડ્યો. વેલિંગ્ટન બ્લેઝ ટીમે કૅપ્ટન એમિલિયા કૅરનાં પંચાવન બૉલમાં બનેલા ૭૭ રનની મદદથી ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૫૪ રન બનાવ્યા હતા. કૅન્ટરબરી મૅજિશ્યન્સની ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે માત્ર ૧૦૭ રન બનાવી શકી હતી.