વેસ્ટ ઇન્ડિઝ 0/87 અને રસાકસી બાદ 10/138: ન્યૂ ઝીલેન્ડે સિરીઝ જીતી લીધી

માઉન્ટ મૉન્ગેનુઈ: ન્યૂ ઝીલૅન્ડે (New Zealand) અહીં સોમવારે વેસ્ટ ઇન્ડિઝને ત્રીજી ટેસ્ટમાં પાંચમા દિવસે રસાકસી વચ્ચે 323 રનથી હરાવીને ત્રણ મૅચની શ્રેણી 2-0થી જીતી લીધી હતી.
462 રનના લક્ષ્યાંક સામે એક તબક્કે કૅરિબિયનોનો સ્કોર 0/87 હતો. જોકે એ જ સ્કોર પર ધબડકો શરૂ થયો હતો અને 11 રનમાં પાંચ વિકેટ પડી ગઈ હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમે 100 રનનો આંકડો પાર કર્યાં પછી પણ વિકેટ પડવાનું ચાલુ જ રહ્યું હતું અને પ્રવાસી ટીમ 150 રન સુધી પણ નહોતી પહોંચી શકી. 138મા રન પર 10મી વિકેટ પડી હતી જે રાઈટ આર્મ પેસ બોલર જેકબ ડફીની પાંચમી વિકેટ હતી. ત્રણ વિકેટ સ્પિનર એજાઝ પટેલે લીધી હતી.

ડફીએ હેડલીનો વિક્રમ તોડ્યો
વેસ્ટ ઇન્ડિઝે (West Indies) સોમવારે સવારે ડ્રિન્ક્સ ઇન્ટરવલ બાદ પચીસ રનમાં જે આઠ વિકેટ ગુમાવી એમાંથી પાંચ ડફીની હતી. તેણે કિવીઓ વતી એક કેલેન્ડર યરમાં સૌથી વધુ વિકેટ લેવાનો સર રિચર્ડ હેડલીનો 79 વિકેટનો 40 વર્ષ જૂનો વિક્રમ તોડ્યો હતો. ડફીની 2025માં 81 ટેસ્ટ વિકેટ થઈ છે. હેડલીએ 1985ના વર્ષમાં 79 વિકેટ લીધી હતી. આ લિસ્ટમાં સ્પિનર ડેનિયલ વેટોરી (2008માં 76 વિકેટ) ત્રીજા સ્થાને છે.

શાઈ હોપના 78 બૉલમાં ત્રણ રન!
વેસ્ટ ઇન્ડિઝ વતી સૌથી વધુ રન બ્રેન્ડન કિંગના હતા. તેણે 96 બૉલમાં 67 રન કર્યા હતા. જોકે શાઈ હોપ સૌથી ધીમો હતો. તેણે 78 બૉલમાં ફક્ત ત્રણ રન કર્યા હતા. 3.84 તેનો સ્ટ્રાઇક-રેટ હતો.
કોન્વે, લૅથમની બન્ને દાવમાં સદી
ન્યૂ ઝીલેન્ડે પ્રથમ દાવ 8/575ના સ્કોર પર ડિક્લેર કર્યો હતો. એમાં ડેવોન કોન્વેના 227 રન અને ટૉમ લૅથમના 137 રન સામેલ હતા. વેસ્ટ ઇન્ડિઝે વળતી લડતમાં 420 રન કર્યાં હતા, પણ કિવીઓએ બીજા દાવમાં પણ કોન્વે (100 રન) અને લૅથમ (101 રન)ની સદીની મદદથી 2/306ના સ્કોર પર દાવ ડિક્લેર કરીને કૅરિબિયનોને 462 રનનો તોતિંગ ટાર્ગેટ આપ્યો હતો.
કોને ક્યો અવૉર્ડ મળ્યો
કોન્વેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. શ્રેણીમાં કોન્વેના 452 રન તમામ બૅટ્સમેનમાં સૌથી વધુ હતા. સિરીઝમાં હાઈએસ્ટ 23 વિકેટ લેનાર જેકબ ડફીને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો. પ્રથમ ટેસ્ટ જસ્ટિન ગ્રીવ્ઝ (202 અણનમ)ની યાદગાર ડબલ સેન્ચુરી સાથે ડ્રો થયા બાદ બીજી ટેસ્ટ કિવીઓએ નવ વિકેટે જીતી લીધી હતી.



