New Zealand પહેલી T-20 જીત્યું, પણ પાકિસ્તાની સ્પિનરે વિક્રમ રચ્યો
ઑકલૅન્ડ: ન્યૂ ઝીલૅન્ડે પાકિસ્તાનને પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની પ્રથમ મૅચમાં પાકિસ્તાનને 46 રનથી હરાવ્યું હતું અને આ હાઈ-સ્કોરિંગ મૅચમાં બે વિક્રમ બન્યા હતા જેમાંનો એક રેકૉર્ડ પાકિસ્તાનના ટૉપ-ઑર્ડરના બૅટર સઇમ અયુબે ફીલ્ડિંગમાં રચ્યો હતો અને બીજો વિક્રમ બંને ટીમોના કુલ સ્કોરના સરવાળાની બાબતમાં નોંધાયો હતો.
સઇમ અયુબે ચાર કૅચ પકડ્યા હતા. તેણે પાકિસ્તાન વતી ટી-20ની એક ઇનિંગ્સમાં ત્રણ કૅચ પકડવાનો યાસિર શાહનો વિક્રમ તોડી નાખ્યો હતો. બીજું, આખી મૅચમાં કુલ 406 રન બન્યા હતા અને ન્યૂ ઝીલૅન્ડ-પાકિસ્તાન વચ્ચેની ટી-20 મૅચમાં બનેલા કુલ રનના સરવાળાનો આ નવો રેકૉર્ડ છે.
ન્યૂ ઝીલૅન્ડે ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી અને ડેરિલ મિચલ (61 રન, 27 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર), કૅપ્ટન કેન વિલિયમસન (57 રન, 42 બૉલ, નવ ફોર), ઓપનર ફિન ઍલન (34 રન, 15 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) અને માર્ક ચૅપમૅન (26 રન, 11 બૉલ, બે સિક્સર, બે ફોર)ના યોગદાનોની મદદથી આઠ વિકેટે 226 રન બનાવ્યા હતા. બાવીસ વર્ષના નવા પેસ બોલર અબ્બાસ આફ્રિદીએ 34 રનમાં ત્રણ, શાહીન શાહ આફ્રિદીએ 46 રનમાં ત્રણ અને હૅરિસ રઉફે 34 રનમાં બે વિકેટ લીધી હતી.
પાકિસ્તાનની ટીમ 18 ઓવરમાં 180 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી જેમાં બાબર આઝમના 57 રન સૌથી વધુ હતા. પેસ બોલરો ટિમ સાઉધીએ પચીસ રનમાં ચાર તેમ જ ઍડમ મિલ્નએ 50 રનમાં બે અને બેન સીઅર્સે 42 રનમાં બે વિકેટ લીધી હતી. 61 રન બનાવનાર ડેરિલ મિચલને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.