12 વર્ષે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં નંબર-વન વિરુદ્ધ નંબર-ટૂ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

12 વર્ષે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં નંબર-વન વિરુદ્ધ નંબર-ટૂ

2013માં શારાપોવાને હરાવીને સેરેના ચૅમ્પિયન બની હતીઃ શનિવારે કૉકો-સબાલેન્કા વચ્ચે ટક્કર

પૅરિસઃ ફ્રેન્ચ ઓપન (French Open) ટેનિસમાં શનિવારે અમેરિકાની 21 વર્ષીય કૉકો ગૉફ (Coco Gauff) અને બેલારુસની 27 વર્ષની અરીના સબાલેન્કા (Arena Sabalenka) વચ્ચે મહિલાઓની સિંગલ્સની ફાઇનલ રમાશે અને એ સાથે 12 વર્ષ બાદ ફરી એક વખત આ ચૅમ્પિયનશિપના નિર્ણાયક મુકાબલામાં વર્લ્ડ નંબર-વન અને વર્લ્ડ નંબર-ટૂ ખેલાડી વચ્ચે ટક્કર થશે.

2013માં ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં નંબર-વન અને નંબર-ટૂ અનુક્રમે સેરેના વિલિયમ્સ અને મારિયા શારાપોવા વચ્ચે ફાઇનલ રમાઈ હતી જેમાં સેરેનાએ એક કલાક અને 46 મિનિટ સુધી ચાલેલી એ મૅચમાં 6-4, 6-4થી વિજય મેળવ્યો હતો. ત્યારે સેરેનાનું એ બીજું ફ્રેન્ચ ઓપન ટાઇટલ હતું.

આ પણ વાંચો -‏‏‎ ભારત-ઈંગ્લૅન્ડ ટેસ્ટ સિરીઝની ટ્રોફીને હવે મળ્યું આ ભારતીય લેજન્ડનું નામ…

જોકે વર્લ્ડ નંબર-વન સબાલેન્કાને અને નંબર-ટૂ કૉકો ગૉફને પહેલી વાર ફ્રેન્ચ ઓપન જીતવાનો મોકો મળ્યો છે. કુલ ત્રણ ગૅ્રન્ડ સ્લૅમ સિંગલ્સ ટાઇટલ જીતી ચૂકેલી સબાલેન્કાને 2023ની યુએસ ઓપનની ફાઇનલમાં કૉકોએ જ હરાવીને ટાઇટલ જીતી લીધું હતું એટલે હવે સબાલેન્કાને તેની સામે શનિવારે એ હારનો બદલો લેવાની તક છે.

સેમિ ફાઇનલમાં સબાલેન્કાએ ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ઇગા સ્વૉન્ટેકને 7-1, 4-6, 6-0થી હરાવી દીધી હતી, જ્યારે બીજી સેમિમાં કૉકોનો વિશ્વની 361મા નંબરની ફ્રાન્સની લૉઇસ બૉઇસનને 6-1, 6-2થી પરાજિત કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

સબાલેન્કા અને કૉકો વચ્ચે 10 મુકાબલા થઈ ચૂક્યા છે અને બન્ને પ્લેયર 5-5થી બરાબરીમાં છે. શનિવારે તેમની વચ્ચે નવો હિસાબ શરૂ થશે. હજી ગયા મહિને મૅડ્રિડ ઓપનમાં સબાલેન્કાએ કૉકોને હરાવી હતી.

Back to top button