સ્પોર્ટસ

હવે આ ક્રિકેટરે ડોમેસ્ટિક ક્રિકેટમાં ટીમ બદલી

નવી દિલ્હીઃ ડોમેસ્ટિક ક્રિકેટમાં ટીમ બદલવાની જાણે મોસમ ચાલી રહી છે, કારણકે અર્જુન તેન્ડુલકરે મુંબઈ છોડીને ગોવાની ટીમને અપનાવી ત્યાર બાદ યશસ્વી જયસ્વાલે મુંબઈ છોડીને ગોવાની ટીમમાં જોડાવાની ઇચ્છા બતાવ્યા પછી માંડી વાળ્યું હતું, પરંતુ પૃથ્વી શૉએ મુંબઈ છોડીને મહારાષ્ટ્રની ટીમ સાથે હાથ મિલાવ્યા અને હવે નીતીશ રાણા (NITISH RANA)એ હિલચાલ કરી છે. તે થોડા વર્ષોથી ઉત્તર પ્રદેશની ટીમ વતી રમે છે, પણ હવે તે દિલ્હી (DELHI)ની ટીમમાં પાછો આવવા માગે છે.

ઑલરાઉન્ડર નીતીશ રાણા આઇપીએલ-2025માં રાજસ્થાન રૉયલ્સ (RR) વતી રમ્યો હતો. એવું લાગે છે કે ડોમેસ્ટિક ક્રિકેટમાં તે હવે યુપી (UP)ની ટીમ વતી વધુ નથી રમવા માગતો અને દિલ્હીની ટીમમાં પાછો ફરવા માગે છે. એક જાણીતી ક્રિકેટ વેબસાઇટના અહેવાલ મુજબ નીતીશ રાણાને યુપીસીએ (ઉત્તર પ્રદેશ ક્રિકેટ ઍસોસિયેશન) પાસેથી એનઓસી (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) મળી ગયું છે. તે આગામી ડોમેસ્ટિક સીઝનમાં દિલ્હી વતી રમતો જોવા મળશે એવું લાગી રહ્યું છે. જોકે દિલ્હી ક્રિકેટ ઍસોસિયેશનને એની નકલ હજી નથી મળી એવું જાણવા મળ્યું છે.

આપણ વાંચો ભારતીય ક્રિકેટર બની ગયો લેખક, ક્રિકેટ ઉપરાંત દોસ્તી અને રિલેશનશિપ વિશે ઘણું લખ્યું છે

ટીમ બદલાવવા વિશેના કારણમાં નીતીશ રાણાએ પારિવારિક કારણ આપ્યું છે. નીતીશ રાણાનું ફૉર્મ અગાઉ જેવું નથી. તે ડોમેસ્ટિક ક્રિકેટ ઉપરાંત આઇપીએલમાં ટીમો બદલી ચૂક્યો છે. થોડો સમય તે ઈજાને કારણે ક્રિકેટથી દૂર હતો. આ વખતની આઇપીએલમાં રાજસ્થાન વતી તેણે 11 ઇનિંગ્સમાં 217 રન કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button