
લખનઊ: કોલકાતા નાઈટ રાઇડર્સે (235/6) રવિવારે લખનઊ સુપર જાયન્ટ્સ (137/10)ને 98 રનના તોતિંગ માર્જિનથી હરાવીને પોઈન્ટ્સ-ટેબલમાં મોખરાનું સ્થાન મેળવી લીધું હતું. સુનીલ નારાયણ (81 રન, 39 બૉલ, સાત સિક્સર, છ ફોર અને બાવીસ રનમાં એક વિકેટ) ઓલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

લખનઊ 98 રનના મોટા માર્જિનથી હારી જતાં ટૉપ-ફોરની બહાર ધકેલાયું હતું. યાદ રહે, પ્લે-ઑફના ચાર અંતિમ ક્રમ નક્કી થઈ જાય એ માટે હવે બહુ સમય બાકી નથી. દરેક ટીમે કુલ 14 લીગ મૅચ રમવાની છે. રાજસ્થાન અને હૈદરાબાદ (10-10 મૅચ)ને છોડીને બધી ટીમની 11 મૅચ થઈ ગઈ છે.

ટૉપ-ફોરની લેટેસ્ટ સ્થિતિ આ મુજબ છે: કોલકાતા (16 પોઇન્ટ, +1.453 રનરેટ), રાજસ્થાન (16, +0.622), ચેન્નઈ (12, +0.700) અને હૈદરાબાદ (12, +0.072). લખનઊ તથા દિલ્હી અનુક્રમે પાંચમા, છઠ્ઠા નંબરે છે.
રવિવારે લખનઉની ટીમ 236 રનના ટાર્ગેટ સામે માત્ર 137 રન બનાવી શકી હતી. એમાં માર્કસ સ્ટોનિસના 36 રન હાઈએસ્ટ હતા. કેપ્ટન કેએલ રાહુલ માત્ર પચીસ રન બનાવી શક્યો હતો. કોલકાતાના હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. બે વિકેટ આન્દ્રે રસેલને તથા એક-એક વિકેટ નારાયણને અને મિચલ સ્ટાર્કને મળી હતી.
એ પહેલાં, કોલકાતાએ બૅટિંગ મળ્યા બાદ છ વિકેટે 235 રન બનાવીને લખનઊના મેદાનને નવો રેકૉર્ડ-સ્કોર આપ્યો હતો. કોલકાતાએ છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલા લો-સ્કોરિંગ મૅચોના ટ્રેન્ડ વચ્ચે અહીં બૅટિંગ મળ્યા બાદ આઈપીએલ-24ને ફરી એકવાર 230-પ્લસનો સ્કોર આપ્યો હતો. કોલકાતાની પાંચેક ધમાકેદાર ઇનિંગ્સમાં સુનીલ નારાયણ (81 રન, 39 બૉલ, સાત સિક્સર, છ ફોર)ની ઇનિંગ્સ સર્વશ્રેષ્ઠ હતી. તેણે ફિલ સૉલ્ટ (32 રન, 14 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) સાથે 61 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. ત્યાર બાદ નારાયણની અંગક્રિશ (32 રન, 26 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) સાથે 79 રનની ભાગીદારી પણ થઈ હતી.

રમણદીપ સિંહ (પચીસ અણનમ, છ બૉલ, ત્રણ સિક્સર, એક ફોર)ની છેવટની ટૂંકી પણ દમદાર ઇનિંગ્સને લીધે લખનઊને 236 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપી શકાયો હતો. રમણદીપે છ બૉલમાં આ મુજબ રન બનાવ્યા હતા: 2,6,1,6,4,6.
કૅપ્ટન શ્રેયસ ઐયરે 23 રન બનાવ્યા હતા. લખનઊના બોલર્સમાં નવીન-ઉલ-હક ત્રણ વિકેટ લઈને સૌથી સફળ રહ્યો હતો.

લખનઊએ ઈજાગ્રસ્ત ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવના સ્થાને યશ ઠાકુરને લીધો હતો. જોકે કોલકાતાએ ટીમમાં કોઈ જ ફેરફાર નહોતો કર્યો.
આઈપીએલ-24માં હવે કોની સૌથી વધુ સિક્સર?
ક્રમ… પ્લેયર…કેટલી સિક્સર
1…સુનીલ નારાયણ…..32
2…હિનરિચ ક્લાસેન…31
3…અભિષેક શર્મા….…28
4…શિવમ દુબે…………26
5…રિયાન પરાગ…..…25