હવે મારા મનમાં શાકિબ અને બંગલાદેશ માટે કોઇ સન્માન નથી: એન્જેલો મેથ્યૂઝ
નવી દિલ્હી: શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝે બંગલાદેશના કેપ્ટન શાકિબ અલ હસનની બંગલાદેશ સામેની ‘ટાઈમ આઉટ’ માટેની અપીલને ‘શરમજનક’ ગણાવી અને કહ્યું કે તેનાથી રમતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. મેથ્યુઝે કહ્યું કે તેને હવે શાકિબ અને બંગલાદેશ ટીમ માટે કોઈ સન્માન નથી.
મેથ્યુઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ‘ટાઇમ આઉટ’ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો. મેથ્યુઝ ક્રીઝ પર પહોંચ્યા અને હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું કે તરત જ તેનો પટ્ટો તૂટી ગયો. તેણે ડ્રેસિંગ રૂમમાંથી બીજી હેલ્મેટ લાવવાનો સંકેત આપ્યો પરંતુ તેમાં બે મિનિટથી વધુ સમય લાગ્યો. દરમિયાન, શાકિબે મેથ્યુસ સામે ટાઈમ આઉટની અપીલ કરી અને અમ્પાયર મારાઈસ ઈરાસ્મસે તેને આઉટ જાહેર કર્યો. મેથ્યુઝે કહ્યું કે તેણે કંઈ ખોટું કર્યું નથી અને તે માત્ર સાધનની ખામી હતી.
શ્રીલંકાની ત્રણ વિકેટથી હાર બાદ મેથ્યુઝે પત્રકારોને કહ્યું હતું કે, મેં કંઈ ખોટું કર્યું નથી. મારી પાસે ક્રિઝ પર પહોંચવા અને મારી જાતને તૈયાર કરવા માટે બે મિનિટનો સમય હતો અને મેં એ જ કર્યું હતું. પછી તે સાધનની ખામી હતી. જો તેઓ આ રીતે ક્રિકેટ રમવા માંગતા હોય તો દેખીતી રીતે તે શાકિબ અને બંગલાદેશ માટે શરમજનક છે.તેણે કહ્યું, નિયમો કહે છે કે તમારે બે મિનિટમાં તૈયાર થવું પડશે અને હું ત્યાં બે મિનિટ ૪૫ કે ૫૦ સેક્ધડ માટે હતો. મારું હેલ્મેટ તૂટ્યા પછી પણ મારી પાસે વધુ પાંચ સેક્ધડ હતી અને અમ્પાયરોએ અમારા કોચને પણ કહ્યું છે કે તેઓએ મારું હેલ્મેટ તૂટેલું જોયું નથી. મારો મતલબ હું માત્ર મારું હેલ્મેટ માગી રહ્યો હતો.