
IPL 2024માં શનિવારે દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મોટી મેચ રમાઈ હતી. મુંબઈની ટીમ આ સિઝનમાં પહેલીવાર દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમવા માટે પહોંચી હતી, પરંતુ અહીંના પ્રશંસકોએ હાર્દિક પંડ્યાનો હુરિયો બોલાવવામાં કોઈ કસર છોડી નહોતી. ચાહકોએ રોહિત રોહિતના નારા પણ લગાવ્યા હતા.
ઇન્ડિયન પ્રીમિયર લીગની મુંબઈ અને દિલ્હી વચ્ચેની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચની શરૂઆત પહેલા જ્યારે ટૉસ થયો ત્યારે હાર્દિક પંડ્યાને ફરી એકવાર ચાહકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિકને આખી ટુર્નામેન્ટ દરમિયાન તમામ મેચોમાં ચાહકો તરફથી નકારાત્મક ટિપ્પણીઓ સાંભળવી પડી રહી છે અને જ્યારે તે આ સિઝનમાં પહેલી વાર દિલ્હી પહોંચ્યો ત્યારે ત્યાંના ચાહકોએ પણ તેના પર બિલકુલ દયા દાખવી નહોતી અને તેના નામનો હુરિયો બોલાવ્યો હતો.
જ્યારે હાર્દિક પંડ્યા ટૉસ માટે ગયો અને તે ટૉસ જીત્યો અને તેના નામની જાહેરાત થતા જ સ્ટેડિયમમાં હાજર તમામ ચાહકો તેની વિરુદ્ધ બુમો પાડવા લાગ્યા હતા. અત્યાર સુધી ટુર્નામેન્ટમાં તમામ મેદાન પર આવું જ દ્રશ્ય જોવા મળ્યું છે એટલું જ નહીં હાર્દિકનો હુરિયો બોલાવવાની સાથે દિલ્હીના ચાહકોએ રોહિત રોહિતના પણ નારા લગાવ્યા હતા.
ipl 2024 પહેલા હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સમાંથી ટ્રેડિંગ કરીને મુંબઇ ઇન્ડિયન્સમાં લેવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ મુંબઈ ઇન્ડિયનની ટીમના મેનેજમેન્ટ 5 વારના ટાઇટલ વિજેતા કેપ્ટન રોહિત શર્માને હટાવીને તેને સ્થાને હાર્દિકને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેનો ગુસ્સો સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે અને હાર્દિકને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે.
રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનો પણ કેપ્ટન છે તેથી તેને કપ્તાનીમાંથી હટાવવા પાછળનો તર્ક કોઈની સમજમાં આવી નથી રહ્યો. આ ઉપરાંત હાર્દિક પંડ્યાની નબળી કેપ્ટનશીપના કારણે મુંબઈની ટીમ સતત મેચો હારી રહી છે અને પોઇન્ટ ટેબલમાં છેક નવમા સ્થાને પહોંચી ગઈ છે, જેને કારણે ચાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.