વિમ્બલ્ડનમાં 10 વર્ષે ફરી બે ફાઇનલિસ્ટ સતત બીજી વાર આમનેસામને
સર્બિયાના જૉકોવિચ અને સ્પેનના અલ્કારાઝ વચ્ચે રવિવારે સાંજે 6.30 વાગ્યાથી ફાઇનલ જંગ

લંડન: અહીં વિમ્બલ્ડન ટેનિસ ચૅમ્પિયનશિપમાં રવિવારે મેન્સ ફાઇનલ (ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યાથી)માં એવા બે ખેલાડી સામસામે આવશે જેમને કોઈને કોઈ રીતે નવી સિદ્ધિ પોતાને નામ કરવાની તક છે. એટલું જ નહીં, તેઓ સંયુક્ત રીતે એક દાયકા પહેલાંનો રેકૉર્ડ પોતાના નામે કરવાના છે. નોવાક જૉકોવિચ (Novak Djokovic) અને કાર્લોસ અલ્કારાઝ (Carlos Alcaraz) એવા બે દિગ્ગજ છે જેઓ સતત બીજા વર્ષે વિમ્બલ્ડનની સિંગલ્સની ફાઇનલમાં આમનેસામને આવ્યા છે. આવું અગાઉ 2014 અને 2015માં બન્યું હતું.
આ પણ વાંચો: વિમ્બલ્ડનમાં જૉકોવિચે ફેડરર જેવો જ વિક્રમ રચ્યો, રબાકિના બીજા ટાઇટલની નજીક
2023ની વિમ્બલ્ડનની ફાઇનલમાં અલ્કારાઝે એ સમયે સતત ચાર વર્ષથી ડિફેન્ડિંગ ચૅમ્પિયન રહેનાર જૉકોવિચને 1-6, 8-6, 6-1, 3-6, 6-4થી હરાવીને પહેલી વાર ટેનિસ જગતની આ સૌથી લોકપ્રિય સ્પર્ધાનું ટાઇટલ જીતી લીધું હતું. એ પછી હવે જૉકોવિચ-અલ્કારાઝ ફરી આ જ સ્પર્ધાની ફાઇનલમાં સામસામે આવ્યા છે.
આવું આ પહેલાં 2014માં અને 2015માં બન્યું હતું જેમાં તેણે એ બન્ને વર્ષની ફાઇનલમાં રોજર ફેડરરને હરાવ્યો હતો.
શુક્રવારે સેમિ ફાઇનલમાં અલ્કારાઝે રશિયાના ડેનિલ મેડવેડેવને 1-7, 6-3, 6-4, 6-4થી હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. બીજી સેમિમાં જૉકોવિચે ઇટલીના લૉરેન્ઝો મુસેટીને 6-4, 7-2, 6-4થી પરાજિત કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
આ પણ વાંચો: જુઓ…સચિન પછી હવે કોણ પહોંચી ગયું વિમ્બલ્ડન જોવા!
જૉકોવિચ રવિવારે ફાઇનલ જીતશે તો એ તેનું પચીસમું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ કહેવાશે. 24 ટાઇટલનો તેનો વિશ્ર્વ વિક્રમ છે. બીજું, જૉકોવિચ સાત વાર વિમ્બલ્ડનની સિંગલ્સની ટ્રોફી જીત્યો છે અને રવિવારે જીતશે એટલે વિક્રમધારક રોજર ફેડરરની જેમ આઠમી વાર ચૅમ્પિયન બન્યો કહેવાશે. વિમ્બલ્ડનના સૌથી વધુ નવ ટાઇટલ મહિલા ખેલાડી માર્ટિના નવરાતિલોવાના નામે છે.
અલ્કારાઝને લાગલગાટ બીજા વર્ષે વિમ્બલ્ડન જીતવાનો મોકો છે. તે વિજયી થશે તો એ તેનું ચોથું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ કહેવાશે.
જૉકોવિચ વર્લ્ડ નંબર-ટૂ અને અલ્કારાઝ નંબર-થ્રી છે. ઇટલીનો યાનિક સિન્નર વર્લ્ડ નંબર-વન છે. ક્વૉર્ટર ફાઇનલમાં મેડવેડેવ સામે સિન્નરનો 9-7, 4-6, 4-7, 6-2, 3-6થી પરાજય થયો હતો.