સ્પોર્ટસ

જૉકોવિચ હાર્યા પછી ભાવુક થતાં બોલ્યો, `ફરી ફ્રેન્ચ ઓપનમાં કદાચ ન પણ રમું’

યાનિક સિન્નરે પૅરિસની ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવાનો 49 વર્ષનો વિક્રમ તોડ્યો

પૅરિસઃ પુરુષોની ટેનિસમાં સૌથી વધુ 24 ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર અને ફ્રેન્ચ ઓપન (FRENCH OPEN)માં ચોથી ટ્રોફીથી બે ડગલાં દૂર રહી ગયેલા સર્બિયાના 39 વર્ષીય નોવાક જૉકોવિચે (NOVAK DJOKOVIC) શુક્રવારે સેમિ ફાઇનલમાં પરાજિત થયા પછી ભાવુક સ્થિતિમાં કહ્યું હતું કે અહીં (ફ્રેન્ચ ઓપનમાં) મારી આ છેલ્લી મૅચ હતી કે નહીં એ વિશે હમણાં હું કંઈ કહી ન શકું. ફરી રમું પણ ખરો અને ન પણ રમું. હા, હું મૅચના અંતે થોડો ઇમોશનલ જરૂર થઈ ગયો હતો.’ એક સમયના વર્લ્ડ નંબર-વન જૉકોવિચને ઇટલીના વર્તમાન વર્લ્ડ નંબર-વન યાનિક સિન્નરે (JANNIK SINNER) સેમિ ફાઇનલમાં સળંગ સેટમાં 6-4, 7-5, 7-3થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો

જેમાં તેનો મુકાબલો ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-ટૂ સ્પેનના કાર્લોસ અલ્કારાઝ સામે થશે. સિન્નર સામે અલ્કારાઝનો 7-4નો જીત-હારનો રેશિયો છે અને છેલ્લી ચારેય ટક્કરમાં અલ્કારાઝની જીત થઈ છે. સિન્નર સામે હાર્યા પછી જૉકોવિચે બૅગ નીચે મૂકીને ટેનિસ કોર્ટની ચારેય દિશામાં જોઈને પ્રેક્ષકોના અભિવાદનનું સ્વાગત કર્યું હતું. તેણે જાણે પૅરિસના ચાહકોનેગુડબાય’ કરી હતી. તેણે મૅચ પછીની સ્પીચમાં કહ્યું, હું અહીં છેલ્લી વખત રમ્યો એ તો નથી જાણતો, પણ જો રમ્યો હોઈશ તો અહીંનું વાતાવરણ અને ચાહકોનો પ્રેમ જોતાં મારા માટે આ મૅચ યાદગાર બની ગઈ.’ વર્લ્ડ નંબર-સિક્સ જૉકોવિચે પોતાના જ હાથને ચૂમી લીધો હતો અને પછી એ હાથને ક્લે કોર્ટ પર અડાડ્યો હતો.

જાણે તેણે ફ્રેન્ચ ઓપનને અલવિદા કરી હતી. આ કોર્ટ પર તે ત્રણ વાર (2016, 2021, 2023) ચૅમ્પિયન બન્યો હતો. તે બોલ્યો,અહીં ફરી રમીશ કે નહીં? હમણાં ન કહી શકું, કારણકે હજી વચ્ચે 12 મહિનાનો સમય છે.’ જોકોવિચ 30મી જૂને લંડનમાં શરૂ થનારી ગ્રાસ કોર્ટ પરની વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપમાં રમવા મક્કમ છે. વિમ્બલ્ડનના સિંગલ્સના સાત ટાઇટલ તે જીત્યો છે.

REUTERS/Stephanie Lecocq

સિન્નરે કયો વિક્રમ કર્યો?
યાનિક સિન્નર 1968માં ટેનિસનો ઓપન યુગ શરૂ થયો ત્યાર બાદ ઇટાલિયન ખેલાડીઓમાંથી ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચનાર ઍડ્રિયાનો પૅનાટા પછીનો બીજો ખેલાડી છે. સિન્નર 23 વર્ષનો છે. તે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો એમાં પ્રથમ રાઉન્ડથી સેમિ ફાઇનલની સફર દરમ્યાન એક પણ સેટ નથી હાર્યો. ક્વૉર્ટર ફાઇનલમાં તેણે ઍલેક્ઝાંડર બુબલિકને 6-1, 7-5, 6-0થી હરાવ્યો હતો.

ટેનિસમાં `ઓપન એરા’ એટલે શું?
ટેનિસમાં ઓપન યુગ એટલે એવો સમયકાળ જેમાં પ્રોફેશનલ ખેલાડીઓને ગ્રેન્ડ સ્લૅમમાં ઍમેટર (નવા નિશાળિયા) ખેલાડીઓ સામે રમવાની છૂટ છે. 1968ની સાલ અગાઉ માત્ર ઍમેટર પ્લેયર્સ જ ચારેય ગ્રેન્ડ સ્લૅમમાં રમતા હતા. ચાર ગ્રેન્ડ સ્લૅમમાં ઑસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપ અને યુએસ ઓપનનો સમાવેશ છે.

સિન્નર પાસે ત્રણ, અલ્કારાઝ પાસે ચાર ટાઇટલ
ઇટલીના યાનિક સિન્નર પાસે કુલ ત્રણ ગ્રેન્ડ સ્લૅમ સિંગલ્સ ટાઇટલ છે. સ્પેનના અલ્કારાઝ ચાર ગ્રેન્ડ સ્લૅમ ટૂર્નામેન્ટ જીતી ચૂક્યો છે.

આપણ વાંચો : જૉકોવિચને કઈ ચાર મુશ્કેલી નડી અને 100મું ટાઇટલ ન જીતી શક્યો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button