સર્બિયાના જૉકોવિચને સ્પેનની મહાનગર પાલિકાએ દંડ કર્યો, કારણકે તેણે…

મૅડ્રિડ (સ્પેન): સર્બિયાનો ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ખેલાડી નોવાક જૉકોવિચ (Novak Djokovic) પુરુષોની ટેનિસમાં સૌથી વધુ 24 ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂક્યો છે, પરંતુ પચીસમા ટાઇટલ માટે તે ઝઝૂમી રહ્યો છે અને આગામી યુએસ ઓપનમાં એ અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરવા તે નસીબ અજમાવશે, પણ એ પહેલાં તેણે એક અંગત બાબતમાં આંચકો સહન કરવો પડ્યો છે. સ્પેનના દક્ષિણ ભાગમાં માર્બેલા (Marbella) મહાનગર પાલિકા વિસ્તારમાં તેણે જે પોતાની પ્રોપર્ટી છે એમાં ગેરકાનૂની બાંધકામ કર્યું એ બદલ તેને 15,000 યુરો (આશરે 16 લાખ રૂપિયા)નો દંડ (fine) ફટકારવામાં આવ્યો છે.
માર્બેલા મ્યુનિસિપલ કૉર્પોરેશને જૉકોવિચ અને તેની પત્ની યેલેના બન્નેને આ ગેરકાયદેસર બાંધકામ માટે જવાબદાર ગણાવ્યા છે.
આપણ વાંચો: રોહિત શર્માની જેમ નોવાક જૉકોવિચે પણ 37મા વર્ષે મહેચ્છા પૂરી કરી!
જૉકોવિચને આ બાંધકામને કાયદેસરનું બનાવવા જરૂરી દસ્તાવેજો સાથેની પ્રક્રિયા પૂરી કરવા જણાવાયું હતું, પરંતુ તેને જે સમય આપવામાં આવ્યો હતો એ પૂરો થઈ ગયા પછી તેણે દસ્તાવેજો આપ્યા એટલે તેને દંડ કરવામાં આવ્યો છે.
જૉકોવિચ હાલમાં પરિવાર સાથે હૉલિડે મૂડમાં છે અને યુએસ ઓપન માટેની તૈયારી કરવા માગતો હોય એવું હમણાં તો કંઈ જ નથી લાગતું.
જૉકોવિચ પચીસમા ગ્રેન્ડ સ્લૅમ સાથે નિવૃત્તિ લેશે એવું મનાય છે, પરંતુ સ્પેનનો કાર્લોસ અલ્કારાઝ અને તાજેતરની વિમ્બલ્ડનનો વિજેતા યાનિક સિનર તેના માટે અવરોધ બને એવી સંભાવના છે.