ભારતીય ટેસ્ટ ક્રિકેટરો માટે લૉર્ડ્સમાં ‘લેડીઝ ફર્સ્ટ’ નહીં, પણ ‘જેન્ટ્સ ફર્સ્ટ’
ક્રિકેટના મક્કા ગણાતા મેદાન પર પહેલી વાર રમાનારી મહિલા ટેસ્ટમાં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે મુકાબલો

લંડન: ઇંગ્લૅન્ડે આગામી ક્રિકેટ-સીઝન માટેનો મોટો કાર્યક્રમ જાહેર કર્યો છે જે મુજબ 2025માં ઇંગ્લૅન્ડના પુરુષ ક્રિકેટર્સ ઘરઆંગણે ભારતની મેન્સ ટેસ્ટ ટીમ સામે અને 2026માં ઇંગ્લૅન્ડની મહિલા ટીમ ભારતની વિમેન્સ ટેસ્ટ ટીમ સામે સિરીઝ રમશે. ખાસ વાત એ છે કે પુરુષ અને મહિલા, બન્નેની ટેસ્ટ ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડ્સમાં રમાશે. ઉલ્લેખનીય છે કે લૉર્ડ્સમાં પહેલાં ભારતીય પુરુષ ટીમની ટેસ્ટ રમાશે અને ત્યાર બાદ પછીના વર્ષે ભારતીય મહિલાઓને લૉર્ડ્સમાં ટેસ્ટ રમવાનો અવસર મળશે.
નવી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ભાગરૂપે 2025ના જૂનમાં ભારતીય મેન્સ ટેસ્ટ ટીમ ઇંગ્લૅન્ડ જશે જ્યાં તેઓ પાંચ ટેસ્ટ રમશે. પ્રથમ ટેસ્ટ (20-24 જૂન) સીમ-બોલર ફ્રેન્ડ્લી હેડિંગ્લીમાં, બીજી ટેસ્ટ (2-6 જુલાઈ) એજબૅસ્ટનમાં, ત્રીજી ટેસ્ટ (10-14 જુલાઈ) લૉર્ડ્સમાં, ચોથી ટેસ્ટ (23-27 જુલાઈ) મૅન્ચેસ્ટરમાં અને છેલ્લી ટેસ્ટ (31 જુલાઈ-4 ઑગસ્ટ) ઓવલમાં રમાશે.
લૉર્ડ્સમાં આજ સુધી ક્યારેય મહિલા ક્રિકેટરો વચ્ચે ટેસ્ટ નથી રમાઈ, પણ 2026માં રમાશે અને એ પણ ભારત અને ઇંગ્લૅન્ડની વિમેન્સ ટીમ વચ્ચે.
વાત એવી છે કે ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે જાહેર કર્યું છે કે ભારતીય મહિલા ક્રિકેટરો 2025માં ઇંગ્લૅન્ડમાં પાંચ ટી-20 અને ત્રણ વન-ડે રમી લેશે ત્યાર બાદ 2026ની શરૂઆતમાં ભારતે પોતાની મહિલા ટેસ્ટ ટીમને ઇંગ્લૅન્ડ મોકલવી પડશે અને તેમની લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામે સૌપ્રથમ (ઐતિહાસિક) વિમેન્સ ટેસ્ટ ટીમ રમાશે.