શુભમન ગિલની ટીમમાં અર્શદીપ, હર્ષિત રાણા અને કંબોજ! આ વળી કઈ ટીમ છે?

નવી દિલ્હીઃ 28મી ઑગસ્ટે દુલીપ ટ્રોફી (Duleep Trophy) ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે અને એમાં નૉર્થ ઝોનની ટીમનું સુકાન ભારતના નવા ટેસ્ટ કૅપ્ટન શુભમન ગિલ (Shubhman Gill)ને સોંપવામાં આવ્યું છે. ગિલને આ ટીમમાં અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને અંશુલ કંબોજ જેવા જાણીતા ફાસ્ટ બોલર આપવામાં આવ્યા છે.
ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમે સોમવારે ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ સિરીઝ 2-2થી ડ્રૉ કરાવી હતી. એ શ્રેણીમાં શુભમન ગિલે કુલ 754 રન કર્યા હતા જે તમામ બૅટ્સમેનમાં હાઇએસ્ટ હતા. જોકે એક જ સિરીઝમાં સૌથી વધુ 774 રન (1971માં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં) કરવાના સુનીલ ગાવસકરનો ભારતીય વિક્રમ ગિલ નહોતો તોડી શક્યો.
નૉર્થ ઝોનની પ્રથમ મૅચ 28મી ઑગસ્ટે ઈસ્ટ ઝોન સામે રમાશે. ફાઇનલ 11મી સપ્ટેમ્બરે રમાશે. ઉલ્લેખનીય છે કે યુએઇમાં 10મી સપ્ટેમ્બરે એશિયા કપ શરૂ થશે જેમાં 14મી સપ્ટેમ્બરે ભારત વિરુદ્ધ પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે.
આપણ વાંચો: મયંક અગ્રવાલની કેપ્ટનશિપમાં ઇન્ડિયા-એની ટીમે જીતી દુલીપ ટ્રોફી 2024, ઇન્ડિયા-સીને 132 રનથી હરાવ્યું
શુભમનના સ્થાને શુભમન!
જો શુભમન ગિલ, અર્શદીપ સિંહ કે હર્ષિત રાણા એશિયા કપ માટેની ભારતીય ટીમમાં સિલેક્ટ થશે તો દુલીપ ટ્રોફીમાં નૉર્થ ઝોનની ટીમમાં તેમના સ્થાને રમાડી શકાય એ માટે ત્રણ ખેલાડીના નામ બૅક-અપ તરીકે નક્કી કરવામાં આવ્યા છે. એમાં અનુક્રમે શુભમન રોહિલા, ગુરનૂર બ્રાર અને અનુલ ઠકરાલનો સમાવેશ છે.
ગિલની ટીમમાં કોણ-કોણ
નૉર્થ ઝોનની ટીમઃ શુભમન ગિલ (કૅપ્ટન), અંકિત કુમાર (વાઇસ-કૅપ્ટન), શુભમ ખજુરિયા, આયુષ બદોની, યશ ધુલ, અંકિત કલસી, નિશાંત સિંધુ, સાહિલ લૉટ્રા, મયંક ડાગર, યુધવીર સિંહ ચરક, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, અંશુલ કંબોજ, ઑકિબ નબી અને કનૈયા વાધવાન (વિકેટકીપર).