39 વર્ષનો પાકિસ્તાની બોલર મૅચ-વિનિંગ પર્ફોર્મ કરી શકે તો 38 વર્ષનો રોહિત, 37 વર્ષનો વિરાટ કેમ સારું ન રમી શકે!
સ્પોર્ટસ

39 વર્ષનો પાકિસ્તાની બોલર મૅચ-વિનિંગ પર્ફોર્મ કરી શકે તો 38 વર્ષનો રોહિત, 37 વર્ષનો વિરાટ કેમ સારું ન રમી શકે!

અજય મોતીવાલા

લાહોરઃ પાકિસ્તાનના 39 વર્ષની ઉંમરના લેફ્ટ-આર્મ સ્પિનર નોમાન અલીએ છેલ્લી પાંચ ટેસ્ટમાં કુલ 46 વિકેટ લીધી જેમાંથી ત્રણ ટેસ્ટમાં તેણે 10 કે એનાથી વધુ વિકેટ લીધી અને આટલી મોટી ઉંમરે તેણે આ પર્ફોર્મન્સથી ટેસ્ટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે જેને પગલે ચર્ચા થવા લાગી છે કે આ ઉંમરે જો મૅચ-વિનિંગ પર્ફોર્મ કરી શકાતું હોય તો ભારતના બે પીઢ બૅટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી આગામી વન-ડે સિરીઝમાં કેમ સારું ન રમી શકે! કેમ 2027ના વર્લ્ડ કપ સુધી વન-ડે ટીમમાં ટકી ન શકે!

કહેવાય છેને, ‘ જાન હૈ તો જહાં હૈ.’ ખેલફૂદમાં મોટી ઉંમર જેવું કંઈ હોતું નથી. 40થી 50 વર્ષની ઉંમરવાળા પ્લેયર્સ માટેની લેજન્ડ્સ લીગમાં આપણે સચિન અને યુવરાજને ફટકાબાજી કરતા જોયા જ છે.

રોહિત શર્માએ છેલ્લા થોડા મહિના દરમ્યાન શરીરનું વજન ઘણું ઘટાડ્યું છે જેને લીધે તેની ફિટનેસ હવે અગાઉ કરતાં સારી રહેશે એવું તેના ચાહકો માની રહ્યા છે. વિરાટ કોહલી ભારતનો જ નહીં, વર્તમાન ક્રિકેટનો ફિટેસ્ટ પ્લેયર છે અને તે પણ ઑસ્ટ્રેલિયા ખાતેની આગામી વન-ડે ટૂરમાં સારું રમશે એવું તેના ફૅન્સને પણ લાગી રહ્યું છે.

સાઉથ આફ્રિકાએ વર્લ્ડ ચૅમ્પિયનપદ મેળવ્યું ત્યાર પછી એને બુધવારે શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં પરાજિત કરાવવામાં પાકિસ્તાનના નોમાન અલી (Noman Ali)નું સૌથી મોટું યોગદાન હતું. તેણે પ્રથમ દાવમાં છ વિકેટ અને બીજા દાવમાં ચાર વિકેટ (મૅચમાં કુલ 10 વિકેટ) લીધી હતી.

Noman Ali (AP)

નોમાન અલીએ 2021માં 35 વર્ષની ઉંમરે ટેસ્ટ કરીઅર શરૂ કરી હતી. તેણે 20 ટેસ્ટમાં કુલ 93 વિકેટ લીધી છે.

ફરી રોહિત (Rohit)ની વાત પર આવીએ તો ટેસ્ટ અને ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલો રોહિત 2027ના વિશ્વ કપ સુધી વન-ડે રમી શકશે કે કેમ એ વિશે જાત જાતની અટકળો થઈ રહી છે. શુભમન ગિલના નેતૃત્વવાળી ટીમના ભાગરૂપે રોહિત તેમ જ વિરાટ કોહલી ઑસ્ટ્રેલિયા ગયા છે.

જ્યાં 19મી ઑક્ટોબરથી તેઓ ભારતીય ટીમ વતી ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં રમશે. વિરાટ કોહલી (Virat Kohli) પાંચમી નવેમ્બરે જીવનના 37 વર્ષ પૂરા કરશે અને તે 2027ના વિશ્વ કપ સુધી પહોંચી શકશે કે કેમ એના પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે. જોકે આ બન્ને મહારથીઓ હવે આગામી બે વર્ષમાં માત્ર વન-ડે મૅચો અને આઇપીએલ રમવાના હોવાથી (વર્ષ દરમ્યાન મોટા ભાગનો સમય પરિવાર સાથે વીતાવવા ઉપરાંત) 2027ના વર્લ્ડ કપ સુધી ફૉર્મ ટકાવી રાખવું તેમના માટે મુશ્કેલ નહીં હોય.

આ પણ વાંચો…નોમાન-સાજિદની સ્પિન જોડીએ 20 પછી હવે 19 વિકેટ લીધી, પાકિસ્તાને ઇંગ્લૅન્ડને સિરીઝમાં હરાવ્યું

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button