તિલક અને શિવમે ફૅમિલી-ફ્રેન્ડ્સ સાથે અદ્રશ્ય હૅન્ડ-મેડ ટ્રોફીથી જીત સેલિબ્રેટ કરી…

મુંબઈ/હૈદરાબાદઃ પાકિસ્તાનના મોહસિન નકવીએ રવિવારે એશિયા કપની ચૅમ્પિયન ભારતીય ટીમને ટ્રોફી અને મેડલથી વંચિત રાખીને એ બધી મૂલ્યવાન ચીજો ગુમ કરી નાખીને નફ્ફટાઇની હદ પાર કરી દીધી ત્યાર બાદ ભારતીય ટીમે દુબઈના મેદાન પર જ વર્ચ્યુઅલ (અદ્રશ્ય) ટ્રોફી સાથે ઐતિહાસિક વિજય સેલિબ્રેટ કર્યો એ પછી હવે ભારતના ચૅમ્પિયન ખેલાડીઓ પોતાના શહેરમાં પહોંચીને ફૅમિલી અને ફ્રેન્ડ સાથે અદ્રશ્ય ટ્રોફી સાથે ઉજવણી કરી રહ્યા છે.
બાવીસ વર્ષનો તિલક વર્મા (Tilak Verma) હૈદરાબાદનો અને 32 વર્ષનો શિવમ દુબે (Shivam Dube) મુંબઈનો છે. મિડલ-ઑર્ડરના આ બે બૅટસમેને ફાઇનલમાં 40 બૉલમાં 60 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી. તિલક ચોથા નંબર પર અને શિવમ છઠ્ઠા નંબર પર બૅટિંગ કરવા આવ્યો હતો.
તિલક સોમવારે મોડી રાત્રે દુબઈથી રવાના થયા બાદ હૈદરાબાદ પહોંચ્યો હતો જ્યાં તેનું ભવ્ય સ્વાગત થયું હતું. ઍરપોર્ટ પર ચાહકોએ તેને ખભા પર ઊંચકી લીધો હતો અને પછીથી તિલકે પત્રકારોને સંબોધન કર્યું હતું જેમાં તિલકે ફાઇનલમાં પાકિસ્તાનના સ્લેજિંગનો સામનો કરીને કેવી રીતે તેમને વિજયથી વંચિત રખાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી એની વાત કરી હતી. તિલકે ફાઇનલમાં 53 બૉલમાં ચાર છગ્ગા અને ત્રણ ચોક્કાની મદદથી અણનમ 69 રન કર્યા હતા.
તિલકે નાનપણના મિત્રો સાથે વર્ચ્યુઅલ ટ્રોફી સેલિબ્રેટ કરી હતી. જેમ રવિવારે રાત્રે દુબઈના મેદાન પર કૅપ્ટન સૂર્યકુમાર યાદવે રોહિત શર્માની થોડા સમય પહેલાંની ટ્રોફી માટેના મંચ પરની સ્ટાઇલની ઍક્શન કરીને સૌના દિલ જીતી લીધા હતા એમ તિલકે હૈદરાબાદમાં એવી જ ઍક્શનથી મિત્રોને ખુશ કરી દીધા હતા.
બીજી તરફ, શિવમ દુબેએ હાથે બનાવેલી ટ્રોફી હાથમાં રાખીને પરિવારજનો તેમ જ મિત્રો સાથે એશિયા કપના ચૅમ્પિયનપદની ઉજવણી કરી હતી.
આ પણ વાંચો…પાકિસ્તાન અને પીસીબીએ ભારત સામે ઝૂકવું પડ્યું, ટીમ ઇન્ડિયાની ટ્રોફી…