અશ્વિનની ટીમ સામે આક્ષેપ કરનાર ફ્રેન્ચાઈઝી વિરુદ્ધ પગલાં નહીં લેવાય…જાણો શા માટે

સાલેમ: તામિલનાડુ પ્રીમિયર લીગ (TNPL)માં રવિચંદ્રન અશ્વિનના નેતૃત્વવાળી ડિંડીગુલ ડ્રેગન્સ (ડીડી) નામની ટીમના ખેલાડીઓએ બૉલ સાથે ચેડાં કર્યા હોવાનો હરીફ ટીમ મદુરાઈ પેન્થર્સ દ્વારા તાજેતરમાં જે આક્ષેપ કરવામાં આવ્યો હતો એમાં નવો વળાંક આવ્યો છે. મદુરાઈની ટીમ સામે કડક પગલાં ભરવાની વિચારણા થઈ રહી હતી, પરંતુ હવે એવું નહીં કરવામાં આવે.
કેવા આક્ષેપો થયા હતા
વાત એવી છે કે સાલેમમાં ૧૪મી જૂને જે મૅચ રમાઈ એમાં અશ્વિનની ટીમ દ્વારા કોઈક રાસાયણિક પદાર્થ ભેળવેલા ટુવાલ (Towel)થી બૉલ લૂછવામાં આવ્યો હોવાનો આક્ષેપ મદુરાઈની ટીમે કર્યો હતો. મદુરાઈના ફ્રેન્ચાઈઝીના આક્ષેપમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે બૉલને આ રીતે ટુવાલથી લૂછ્યા બાદ બૉલ અમારી ટીમની ઇનિંગ્સ દરમ્યાન ખૂબ ખરાબ હાલતમાં હતો જેને લીધે અમારા બૅટ્સમેનોના પર્ફોર્મન્સ પર વિપરીત અસર પડી હતી.
અશ્વિનની ટીમને ક્લીન ચિટ
જોકે ટીએનપીએલના સીઈઓ પ્રસન્ના કાનને તપાસ કર્યા બાદ નિવેદન બહાર પાડ્યું હતું કે ‘ બૉલ સાથે ચેડાં (Ball tampering) થયા હોવાનો કોઈ જ પુરાવો નથી મળ્યો. બીજું, તામિલનાડુ લીગના આયોજકોએ બંને ટીમને એકસરખા ટુવાલ આપ્યા હતા. ત્રીજું, અમ્પાયરો અને મૅચ રેફરીએ આખી મૅચમાં બૉલની સ્થિતિ પર સતત ધ્યાન આપ્યું હતું અને મૅચ દરમ્યાન તેમને બૉલ સાથે ચેડાં થયા હોવાનું કંઈ જ ધ્યાનમાં નહોતું આવ્યું. બીજી રીતે કહીએ તો અમ્પાયર્સ અને મૅચ રેફરીને કોઈ જ સાબિતી નહોતી મળી. મદુરાઈની ટીમનો આક્ષેપ માત્ર એક અટકળ છે.’
અશ્વિન (R. ASHWIN)ની ટીમને આયોજકો તરફથી ક્લીન ચિટ મળી ગઈ હતી, પણ મદુરાઈ (MADURAI)ની ટીમ પર તવાઇ આવી શકે એવી સંભાવના હતી.
મદુરાઈ વિરુદ્ધ કેમ પગલાં નહીં
એક જાણીતી ક્રિકેટ વેબસાઇટના અહેવાલ મુજબ મદુરાઈની ટીમ અશ્વિનની ટીમ વિરુદ્ધમાં કરેલા આક્ષેપ વિશે નક્કર પુરાવા ન આપી શકતા ટીએનપીએલની આચાર સંહિતા મુજબ મદુરાઈની ટીમને દંડ અથવા પ્રતિબંધની સજા થઈ શકે એમ હતું.
કાનને એવું પણ જણાવ્યું હતું કે મદુરાઈની ટીમે ડીડી સામેની મૅચના 24 કલાક બાદ ફરિયાદ કરી હતી જે આ સ્પર્ધાની આચાર સંહિતાની વિરુદ્ધમાં છે.
જોકે ટીએનપીએલ તરફથી અખબારોને જણાવવામાં આવ્યું છે કે મદુરાઈની ટીમના ફ્રેન્ચાઇઝીએ અશ્વિનની ટીમ વિરુદ્ધની ફરિયાદ પાછી ખેંચી લીધી છે. તેમણે આ ફરિયાદ અશ્વિનની પ્રતિભાને કે ડીંડિંગુલ ટીમને કલંક લગાવવાના હેતુથી નહોતી કરી. આ ટૂર્નામેન્ટની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને સત્તાધીશોએ મદુરાઈની ટીમ વિરુદ્ધ કડક પગલાં લેવાનું માંડી વાળ્યું છે.
આપણ વાંચો: સાઉથ આફ્રિકાના ટેસ્ટ ચૅમ્પિયનોનું જોહનિસબર્ગમાં જોરદાર સ્વાગત
મૅચનું શું પરિણામ આવ્યું હતું
14 મી જૂનની મૅચ આર. અશ્વિનના નેતૃત્વમાં ડિંડીગુલ ડ્રેગન્સે 45 બૉલ બાકી રાખીને નવ વિકેટના માર્જિનથી જીતી લીધી હતી. મદુરાઈની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 150 રન કરી શકી હતી. આર. અશ્વિનને એક પણ વિકેટ નહોતી મળી. જોકે ડિંડીગુલની ટીમે કેપ્ટન અને ઓપનર આર. અશ્વિન (49 રન, 29 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) તથા શિવમ સિંહ (83 અણનમ, 41 બૉલ, 6 સિક્સર, 8 ફોર) વચ્ચેની 124 રનની ભાગીદારી બાદ (12.3 ઓવરમાં) 151/1ના સ્કોર સાથે જીતી લીધી હતી.