નીતીશ રેડ્ડીના પપ્પાએ પુત્રની ક્રિકેટ-કરીઅર માટે મોટા બલિદાનો આપ્યા છે
એક સમયે નીતીશે દોડીને વિરાટ સાથે સેલ્ફી પડાવેલી અને આજે તેની જ સાથે ટીમ ઇન્ડિયામાં છે!
મેલબર્નઃ અહીં આજે પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારીને ભારતને ફૉલો-ઑનની નામોશીમાંથી બચાવનાર 21 વર્ષીય ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીને ભારત વતી રમવાનો તો ગર્વ છે જ, તે ક્રિકેટમાં લોકપ્રિયતા હાંસલ કરીને પોતાના મમ્મી-પપ્પાને એવી ખુશી અને સન્માન અપાવવા માગે છે કે જેથી તેઓ સંઘર્ષનો સમય ભૂલી જાય અને મોજશોખની જિંદગી માણી શકે.
મધ્યમ વર્ગમાંથી આવેલા નીતીશ રેડ્ડીને નાનપણથી ક્રિકેટ બેહદ પસંદ છે જ, તે પૅરેન્ટ્સને માટે કંઈક કરી છૂટવા માગતો હતો એટલે તેણે આ રમતની કરીઅર અપનાવી હતી. દીકરો ભારત વતી રમવાનું સપનું સાકાર કરી શકે એ માટે તેના મમ્મી-પપ્પાએ તેને નૈતિક રીતે અને આર્થિક રીતે પૂરો સપોર્ટ કર્યો હતો. ખરેખર તો તેના પિતા મુત્યાલા રેડ્ડી પાસે જે પૈસા હતા એ પુત્રની કરીઅર પાછળ ખર્ચ કર્યા હતા જે હવે લેખે લાગી રહ્યા છે. નીતીશ પાછળ તેમણે જે પ્રકારના જોખમ ખેડ્યા હતા અને નાણાકીય નુકસાન કર્યું હતું એ બદલ તેમને હવે જરાય અફસોસ નહીં થતો હોય.
21 વર્ષના નીતીશને તેના જેવા બીજા યુવાનોની માફક શરીર પર ટૅટૂ ચીતરાવવાનો શોખ છે. એમાંનું એક ટૅટૂ તેના એક પગની ઘૂંટી પર છે જે જોઈને તે તેના પરિવારે છેલ્લા 10 વર્ષમાં તેનું ક્રિકેટનું સપનું પૂરું કરાવવા જે મુસીબતો વેઠી એની તેને સતત યાદ અપાવતું રહે છે તેમ જ પરિવાર માટે કંઈક કરી છૂટવા આત્મવિશ્વાસ અપાવતું રહે છે.
નીતીશે જૂન મહિનામાં પીટીઆઇને મુલાકાતમાં કહ્યું હતું કે ભારતીય ટીમમાં જગ્યા મળે એ સૌભાગ્ય કહેવાય, પરંતુ મારી દૃષ્ટિએ હજી મારું 50 ટકા સપનું સાકાર થયું કહેવાય. ટીમ ઇન્ડિયાની જર્સીમાં સજ્જ થઈને હું મારા દેશને મૅચો જિતાડીશ ત્યારે હું માનીશ કે મારું સપનું પૂરેપૂરું સાકાર થયું છે. મારા પિતાએ મારી ટૅલન્ટ પર ભરોસો રાખવા બદલ જે ટીકાઓનો સામનો કર્યો હતો એ ટીકાઓ ખોટી પડે અને મારા પપ્પાનું માન વધે એ હું જોવા માગું છું.' નીતીશ રેડ્ડીની ક્રિકેટ-સફર શરૂ થઈ એ પાછળ તેના પિતાનું બહુ મોટું યોગદાન છે. નીતીશ 12 વર્ષનો હતો ત્યારે તેના પિતા મુત્યાલા રેડ્ડીએ હિન્દુસ્તાન ઝિન્ક કંપનીમાંથી વૉલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ (વીઆરએસ) હેઠળ નિવૃત્તિ લીધા પછી માઇક્રો-ફાઇનૅન્સિંગ બિઝનેસમાં જે પૈસા ગુમાવ્યા એ બદલ તેમને તેમના કેટલાક નજીકના સગાઓએ ખૂબ ઠપકો આપ્યો હતો અને તેમને ખૂબ મહેણા-ટોણા માર્યા હતા. મુત્યાલા રેડ્ડીને ત્યારે ઉદયપુરમાં ટ્રાન્સફર અપાવાનું હતું, પરંતુ તેમને જાણ હતી કે એ શહેરમાં નીતીશને ક્રિકેટને વ્યવસ્થિત તાલીમ તથા કોચિંગ અપાવવા માટેની પૂરતી સગવડો નથી. એવું માનીને તેમણે 20 લાખ રૂપિયાનું પોતાનું રોકાણ એક બિઝનેસમાં રોકી દીધું હતું. જોકે તેમની પાસેથી લોન લેનાર તેમના જ મિત્રોએ પૈસા પાછા નહોતા આપ્યા. પરિણામે, મુત્યાલા રેડ્ડીને ભારે આર્થિક નુકસાન થયું હતું. નીતીશ રેડ્ડીએ જૂનમાં પીટીઆઇને નવ વર્ષ પહેલાંની એ ઘટનાની વાત કરતા એવું પણ જણાવ્યું હતું કે
મારા પિતાને મહેણા-ટોણા મારવામાં આવી રહ્યા હતા એ મેં બરાબર સાંભળ્યા હતા. હું ત્યારે માંડ 12 વર્ષનો હતો, પણ બધુ સમજતો હતો. મેં ત્યારે જ નક્કી કરી લીધું અને પોતાને વચન આપ્યું કે એક જ વાત મારા પપ્પાને ગુમાયેલી પ્રતિષ્ઠા પાછી અપાવી શકે અને એ છે કે મારે ભારત વતી રમવું.’
એ સમયે (2015માં) નીતીશ રેડ્ડીના પિતા પાસે પરિવારનું ગુજરાન ચલાવવા ઉપરાંત બિલકુલ પૈસા નહોતા બચતા. તેઓ નીતીશને વર્ષમાં માંડ એક બૅટ અપાવી શકતા હતા. ત્યારે ઇંગ્લિશ વિલૉથી બનતું બૅટ 15,000 રૂપિયામાં મળતું હતું. હવે એની કિંમત 50,000 રૂપિયા જેટલી છે અને આંતરરાષ્ટ્રીય બૅટર્સ એવું બૅટ વાપરતા હોય છે.
આ પણ વાંચો : મેલબર્નમાં ભારત `બૅક ફૂટ પર’: પરાજય ટાળવા સંઘર્ષ કરવો પડશે
મુત્યાલા રેડ્ડીએ આજે પુત્ર નીતીશે પ્રથમ સદી ફટકારી ત્યાર બાદ મેલબર્નના સ્ટેડિયમ ખાતે મુલાકાતમાં પીટીઆઇને જણાવ્યું કે `હું અત્યારે કેટલો ખુશ છું એ શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી. વિરાટ સરે મારા દીકરાને કહ્યું હતું કે ખૂબ મહેનત કરજે.’
થોડા વર્ષ પહેલાં બીસીસીઆઇએ નીતીશ રેડ્ડીને બેસ્ટ અન્ડર-16 પ્લેયર તરીકેનો અવૉર્ડ આપ્યો ત્યારે તેણે બેન્ગલૂરુમાં વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારોહમાં હાજરી આપી હતી. ત્યારે આખી ભારતીય ટીમ એ સમારોહમાં હાજર હતી અને ત્યારે 14 વર્ષના નીતીશ રેડ્ડીએ વિરાટ કોહલી તથા અનુષ્કા સાથે સેલ્ફી પડાવવા ભાગદોડ કરવી પડી હતી. વિરાટ-અનુષ્કા ત્યારે હોટેલની લિફ્ટ પાસે પહોંચી ગયા હતા અને નીતીશ દોડીને તેમની પાસે પહોંચી ગયો હતો અને સેલ્ફી લીધી હતી.
નીતીશ માટે એ સેલ્ફી સૌથી યાદગાર છે અને આજે તે વિરાટ સાથે ભારતીય ટીમ વતી રમી રહ્યો છે.