આફ્રિકાનો આ દેશ જીતવામાં નિષ્ફળ, 2026ના ફિફા વર્લ્ડ કપમાં પહોંચવાનું હવે લગભગ અશક્ય

કૅરોઃ આફ્રિકા ખંડના દેશ નાઇજિરિયા (Nigeria)ની ટીમ સામે અહીં મંગળવારે ઝિમ્બાબ્વેએ છેલ્લી ઘડીએ ગોલ કરી દેતાં 2026ના ફિફા વર્લ્ડ કપ (Fifa world cup)માં પહોંચવાની નાઇજિરિયાની આશા પર પાણી લગભગ ફરી વળ્યું છે. એ મૅચ 1-1થી ડ્રૉમાં ગઈ હતી. ઝિમ્બાબ્વે (Zimbabwe)ના તવાન્ડા શિરેવાએ મૅચની અંતિમ મિનિટમાં (90મી મિનિટમાં) ગોલ કરીને મૅચ ડ્રૉ કરાવી હતી.
જોકે ઇજિપ્ત અને મોરોક્કોએ આવતા વર્ષના વિશ્વ કપ માટેનું ક્વૉલિફિકેશન લગભગ મેળવી લીધું છે.
ઇજિપ્તએ સિએરા લોન સામે 1-0થી વિજય મેળવ્યો હતો. મોરોક્કોએ તાન્ઝાનિયાને 2-0થી પરાજિત કર્યું હતું.
2022ના વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાએ 2026ના વિશ્વ કપમાં સ્થાન મેળવી લીધું એ પછી એણે કટ્ટર હરીફ બ્રાઝિલને 4-1થી હરાવી દીધું હતું.
એશિયા ખંડમાંથી ઉઝબેકિસ્તાન સામેની મૅચ 2-2થી ડ્રૉ કરાવીને ઇરાન ફિફા વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ ગયું છે. ઇરાન સતત ચોથા વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થયું છે.
જોકે 2026નો વિશ્વ કપ કૅનેડા અને મેક્સિકો ઉપરાંત ખાસ કરીને અમેરિકામાં યોજાવાનો છે અને ઇરાને પોતાની ટીમને ત્યાં મોકલવી પડશે એટલે પરિસ્થિતિ તંગ થઈ જશે.